પ્રેક્ટિસ દરમિયાન સળિયો પડતાં ગોલ્ડ મેડાલિસ્ટ પાવર લિફટરનું મોત
270 કિલોનો સળિયો ગળા પર પડ્યો, ટ્રેનર પણ ઘવાયો
રાજસ્થાનના બિકાનેર શહેરમાં એક દુ:ખદ અકસ્માતમાં, જુનિયર નેશનલ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા પાવર લિફ્ટરનું પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ થયું. મૃતક પાવરલિફ્ટરનું નામ યશ્તિકા આચાર્ય છે, જે 17 વર્ષની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બની ત્યારે યશ્તિકા જીમમાં વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહી હતી અને તેના ગળા પર સળિયો પડતાં તેનું મોત થયું.
પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે યશ્તિકા જીમમાં પ્રેક્ટિસ કરી રહી હતી અને આ દરમિયાન તે 270 કિલો વજનની પ્લેટોથી ફીટ કરાયેલ સળિયા ઉપાડવાનો પ્રયાસ કરી રહી હતી.
ઘટના અંગે માહિતી આપતાં, નયા શહેરના એસએચઓ વિક્રમ તિવારીએ જણાવ્યું કે જુનિયર નેશનલ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા પર 270 કિલોનો સળિયો પડતાં તેનું ગરદન તૂટી ગયું. આ અકસ્માતમાં પ્રેક્ટિસ ચલાવી રહેલા જીમ ટ્રેનરને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.