સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોનાના દાગીના ખરીદનારા લોકો માટે સારા સમાચાર. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થોડા ઉતાર ચડાવ વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં બુલિયન્સમાં નબળાઈ જોવા મળી રહી છે. સોના અને ચાંદી બંનેમાં કડાકો જોવા મળ્યો છે. MCX પર સોનું ₹85,800 નીચે ગગડી ગયું છે. ઓપનિંગ બાદ સોનામાં 300 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી 200 રૂપિયા તૂટી હતી અને ₹98000 નીચે ભાવ હતો. ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ $2900 નજીક હતો. મજબૂત બોન્ડ યીલ્ડથી સોના-ચાંદી પર દબાણ પડી રહ્યું છે. જ્યારે ડોલર 104ની નીચે 4 મહિનાના નીચલા સ્તરે છે.
આજે સવારે 10 વાગ્યાની આસપાસ MCX પર સોનું 244 રૂપિયાના કડાકા સાથે 85,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. ગુરુવારે સોનું 86,034 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 166 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઘટાડા સાથે 97,975 રૂપિયા પર જોવા મળી હતી. કાલે તે 98,141 રૂપિયા પર બંધ થઈ હતી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે ગઈ કાલના ઓપનિંગ રેટ કરતા 380 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યું. કાલે સોનું 86,346 રૂપિયા પર ખુલ્યું હતું જે આજે 85,966 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું. કાલે સોનું 85,896 રૂપિયાની સપાટીએ કડાકા સાથે ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી કાલના ઓપનિંગ રેટ કરતા આજે 102 રૂપિયા ગગડીને 96,796 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ જોવા મળી જે કાલે 96896 રૂપિયા પર ખુલી હતી. જ્યારે ગઈ કાલે સાંજે કડાકા સાથે 96,460 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.