ગોવા નાઇટ ક્લબના સહ માલિક અજય ગુપ્તાની અટકાયત
એક મોટા ઘટનાક્રમમાં, ગોવા પોલીસે ’બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબના ચાર સહ-માલિકોમાંથી એક અજય ગુપ્તાની અટકાયત કરી છે, જ્યાં ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. દુ:ખદ ઘટના પછીથી ફરાર ગુપ્તાને દિલ્હીમાં લુક-આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે "અમે નાઈટક્લબના માલિકોમાંના એક અજય ગુપ્તાની અટકાયત કરી છે. તે આ કેસના સંદર્ભમાં પકડાયેલો છઠ્ઠો વ્યક્તિ છે, "પોલીસ ટીમ તેમના દિલ્હી નિવાસસ્થાને તેમને શોધી કાઢવામાં નિષ્ફળ ગયા બાદ તેમના વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો," સૂત્રોએ જણાવ્યું છે કે ગુપ્તાને કરોડરજ્જુની બીમારી હોવાથી મંગળવારે સાંજે લાજપતનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
7 ડિસેમ્બરે લાગેલી આગ પછી, પોલીસે નાઈટક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, જનરલ મેનેજર વિવેકસિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા, ગેટ મેનેજર રિયાંશુ ઠાકુર અને કર્મચારી ભરત કોહલીની ધરપકડ કરી છે.
જ્યારે અન્ય સહ-માલિક, સુરિન્દર કુમાર ખોસલા માટે પણ લુક-આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે, ત્યારે બે વધુ માલિકો - સૌરભ અને ગૌરવ લુથરા - થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા છે. બંને સામે બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. દરમિયાન લુથરા બંધુઓએ આજે દિલ્હીની રોહિણી કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરેલી હોવાનું જાણવા મળેલ છે.