આતંકીઓને શોધવા માટે 30 વર્ષમાં પહેલીવાર ડીજીપી એકે-47 સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. હવે સુરક્ષાકર્મીઓએ રવિવારે કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સામેલ આતંકવાદીઓની શોધ તેજ કરી દીધી છે. સોમવારે જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) નલિન પ્રભાત સહિતના ટોચના અધિકારીઓ ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. કોઈ પોલીસ વડા માટે આ પ્રકારના ઓપરેશનમાં સામેલ થવું દુર્લભ છે અને એવું માનવામાં આવે છે કે 30 થી વધુ વર્ષોમાં આ પ્રથમ વખત છે જ્યારે જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ પોલીસ અધિકારીએ આવું કર્યું છે.
એકે-47 હાથમાં લઈને તલાશી માટે નીકળેલા નલિન પ્રભાતની સાથે પોલીસ મહાનિરીક્ષક (જમ્મુ ઝોન) ભીમ સેન તુટી, ડીઆઈજી (જમ્મુ-સામ્બા-કઠુઆ રેન્જ) શિવ કુમાર શર્મા, કઠુઆના એસએસપી શોભિત સક્સેના અને એસપી (ઓપરેશન્સ) નાસિર ખાન પણ આ ઓપરેશનમાં જોડાયા હતા. આતંકવાદીઓ સરહદ પાર કરીને હીરાનગર સેક્ટરના સાનિયાલ ગામમાં પ્રવેશ્યા અને સ્થાનિક રહેવાસીઓના સંપર્કમાં આવ્યા પછી સર્ચ ઓપરેશન શરૂૂ થયું, જેમણે એલાર્મ વગાડ્યું. આ પછી, રવિવારે સાંજે સુરક્ષા દળો અને જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.
સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર ડીજીપી રવિવારે સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા અને મધરાત સુધી રોકાયા, પછી સર્ચ પાર્ટીઓમાં જોડાવા માટે બીજા દિવસે સવારે પાછા ફર્યા. પોલીસના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે પાંચ-છ આતંકવાદીઓ જંગલોમાં છુપાયેલા છે. ગામમાં તણાવ છે અને સુરક્ષા દળો લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે રવિવારના ગોળીબાર બાદ આતંકવાદીઓ સાથે કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, અત્યાર સુધી કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી. કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓને કારણે શોધખોળ અને ઘેરાબંધી કરવામાં આવી છે.