પંખીઓની કલાકૃતિ દ્વારા નિજાનંદના આકાશમાં ઉડાન
શીલાબા રાણાએ અત્યાર સુધીમાં ચકલી,નવરંગો, ફ્લોરિકન,ફ્લેમિંગો,પેલિકન જેવા અનેક પંખીઓને કેનવાસ, સ્કલ્પચરમાં આબેહૂબ ઉતાર્યા છે
શીલાબા રાણા વર્સેટાઇલ કલાકાર છે છતાં ક્યારેય તેઓએ નામ અને દામ કમાવાનો પ્રયત્ન કર્યો નથી
વાઇલ્ડ લાઇફની દુનિયા અલગ છે, જેમાં જંગલ, ઝાડ, જનાવર અને જમીનનું જતન કરવા અનેક લોકો કટિબદ્ધ છે. આ માટે ઓફિસરથી લઈને નાનામાં નાના કર્મચારી ખૂબ મહેનત કરતા હોય છે. વાઇલ્ડ લાઇફમાં અનેક પ્રકારના રિસર્ચ અને અભ્યાસ કરવામાં આવતા હોય છે આવા સમયે પંખી અને પ્રાણીની આકૃતિના ડમીનો સહારો લેવામાં આવે છે. વાત છે વેળાવદર નેશનલ પાર્કની, જ્યાં ફ્લોરિકન બર્ડ માટે અભ્યાસ કરવાનો હતો. તેના નિષ્ણાત વ્યક્તિઓ આ બર્ડનું ડમી કપડાંમાંથી બનાવવાની કોશિશ કરતા હતા પરંતુ સફળતા મળતી નહોતી. એ સમયે એક ઓફિસરના કલાકાર પત્નીએ પોતાની કલા અને સૂઝ, બૂઝ કામે લગાવીને કાગળના માવામાંથી આબેહૂબ ફલોરિકન બનાવ્યું જે જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા.આ ડમી (એટલે કે જીવંત પંખી કે પશુ જેવી જ આકૃતિ) બનાવનાર ઓફિસરના પત્ની એટલે શીલાબા રાણા.
જેઓને કલા ઈશ્વરના આશીર્વાદરૂપે મળી છે. ક્યાંય પણ શીખ્યા વગર પ્રોફેશનલ આટિસ્ટને પણ ટક્કર મારે તેવી એકથી એક ચડિયાતી કૃતિઓ બનાવે છે.
શીલાબાના પતિ વિશ્વદીપ સિંહ રાણા 1985માં સ્ટેટ ફોરેસ્ટ સર્વિસમાં દાખલ થયા અને ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે 2023માં રિટાયર થયાં તે દરમિયાન વેળાવદર, ગીર, ધાંગધ્રા, ધારી, ગાંધીનગર, સક્કરબાગ ઝૂ જૂનાગઢ વગેરે જુદા જુદા સ્થળોએ ફરજ બજાવવાનું થયું. ફોરેસ્ટ વિભાગમાં ફરજ દરમિયાન ઘણાં સ્થળો એવા હોય છે કે જ્યાં સુવિધાનો અભાવ હોય, એકાંત સ્થળ હોય,નવી જગ્યા હોય પરંતુ આ બધા વચ્ચે પણ શીલાબાએ પોતાનો શોખ જાળવી રાખ્યો.લાકડું,કાગળનો માવો, માટી, કેનવાસ, કલર વગેરે જ્યાં જે વસ્તુ પ્રાપ્ય હોય તેના દ્વારા તેઓ કલાકૃતિ બનાવતા.કેનવાસ પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ ઉપરાંત ક્રોશિયો, ભરત ગૂંથણ વગેરેમાં પણ તેઓ માહિર છે આમ છતાં પંખીઓ પ્રત્યે તેઓને અલગ લગાવ છે.અત્યાર સુધીમાં તેઓએ ચકલી, નવરંગો, ફ્લોરિકન, ફ્લેમિંગો, પેલિકન વગેરે અનેક પંખીઓને કેનવાસ, સ્કલ્પચર દ્વારા આબેહૂબ બનાવ્યા છે.
પોતાની કલા બાબત જણાવે છે કે, ‘પિતાજી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવાથી લગ્ન પહેલાં પણ અનેક જગ્યાએ ફરવાનું બનતું. નાનપણમાં રંગોળી ખૂબ સરસ બનાવતી પરંતુ ત્યારે આ કલાની આવડત પોતાનામાં છે એ ખ્યાલ નહોતો.
પરંતુ લગ્ન પછી આ યાત્રા શરૂૂ થઈ. જે કંઈ નવું જોવા મળે તે શીખવાનો પ્રયત્ન કરતી. કોઈ મિત્રો ,સગા,સંબંધીને કોઈપણ કલાકૃતિ ગમે તો તરત જ તે ભેટમાં આપી દેતી તેઓ જે પ્રશંસાના શબ્દો કહેતા તે જ મારે મન અમૂલ્ય હતા.’ મોટાભાગે જંગલ વિસ્તારમાં વસવાટ કરવાનો હોવાથી પંખી, પ્રાણીઓ અને કુદરત સાથે એક લગાવ પણ હતો આ ઉપરાંત દરેકને નજીકથી જોવાનો અવલોકન કરવાનો અનુભવ પણ હતો અને એટલે જ ડમી તૈયાર કરતી વખતે પંખીની આંખોમાં ઝીણું લાલ ટપકું હોય કે પછી પીંછાઓમાં જોવા મળતી લાલ, જાંબલી કે પીળાશ પડતી ઝાંય હોય કે પછી સિંહની કેશવાળી હોય દરેકને તેઓ બખૂબી પોતાની કૃતિમાં ઉતારતા. આવી જ એક ઘટના યાદ કરતા તેમના પતિ વિશ્વદીપ સિંહ રાણા જણાવે છે કે, ‘2004માં ગીરમાં દેવળિયા ખાતેના ઓરિએન્ટેશન સેન્ટર માટે એશિયાટીક લાયનના ડમી બનાવવાના હતા.
બંગાળી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ ફોટોગ્રાફ ઉપરથી એશિયાટિક લાયનની ઈફેક્ટ આપી શકતા નહોતા આવા સમયે પ્રથમ વખત ક્લેનો ઉપયોગ કરી શીલાબાએ મિનિએચર સ્કલ્પચર લમાં આબેહૂબ એશિયાટીક લાયન બનાવ્યો હતો અને તેના પરથી કારીગરોએ લાઇફ સાઈઝ એશિયાટિક લાયન બનાવ્યો હતો.’ શીલાબા વર્સેટાઇલ કલાકાર છે છતાં ક્યારેય તેઓએ નામ અને દામ કમાવવાનો પ્રયત્ન કર્યો નથી. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક એક્ઝિબિશન કર્યું હતું પરંતુ તેમાં પણ પેઇન્ટિંગ વેચવાની તેમની ઈચ્છા નહોતી. નિજાનંદ માટે કલાના ઓવારણા લઈ જીવન સફળ બનાવતા શીલાબા રાણાને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
કલા એક પ્રકારની ભક્તિ જ છે
શીલાબા રાણા મહિલાઓને સંદેશ આપતા પોતાનો અનુભવ વર્ણવે છે કે, ‘ફોરેસ્ટ વિભાગમાં પતિની અચોક્કસ સમયની ફરજ દરમિયાન મારા શોખના કારણે ક્યારેય એકલતાનો અનુભવ થયો નથી. જ્યારે હું કોઈ પેઇન્ટિંગ કે સ્ક્લ્પચર બનાવતી હોઉ ત્યારે અંદરથી ખૂબ આનંદ આવે છે. વાત કલાની હોય ત્યારે બીજું કંઈ જ કરવાનું મન થતું નથી. આ એક પ્રકારની ભક્તિ જ છે. મને લાગે છે કે માળા કર્યા વગર પણ ભગવાન મારી ભક્તિ સ્વીકારી લે છે. કોઈ કૃતિ અધુરી હોય તો અડધી રાત સુધી પણ બનાવતી હોઉં છું. થાક પણ લાગતો નથી. માટે તમને જે પ્રવૃત્તિ ગમતી હોય તે કરો અને તેનો આનંદ લો...
WRITEEN BY: BHAVNA DOSHI