બિહાર ગઠબંધનમાં આખરે બેઠક વહેંચણી: લાલુનું ધાર્યુ થયું
- આરજેડી 26, કોંગ્રેસ 9, ડાબેરી પક્ષો પાંચ સીટ લડશે: પપ્પુ યાદવ લટકી ગયા
બિહારમાં મહાગઠબંધન વચ્ચે સીટોની વહેંચણી કરવામાં આવી છે. જેમાં આરજેડી 26 સીટો પર, કોંગ્રેસ 9 અને ડાબેરી પાર્ટીઓ 5 સીટો પર ચૂંટણી લડશે. આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી સહિત કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સીટો પર સમજૂતી થઈ ગઈ છે. ડાબેરી પક્ષો વચ્ચે, બેગુસરાયમાં એક સીટ સીપીઆઈને અને ખગરીયામાં એક સીટ સીપીઆઈ (એમ)ને આપવા પર સહમતિ બની છે. જ્યારે, CPI (ML)ને ત્રણ બેઠકો નાલંદા, અરાહ અને કરકટ આપવામાં આવી છે.
મહાગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં મંથન ચાલી રહ્યું હતું. જે આખરે સીટ વહેંચણી અંગેની સમજૂતી સાથે સમાપ્ત થઈ. ગોપાલગંજ, વાલ્મિકીનગર અને શિવહર સીટો પર સૌથી મોટો મુકાબલો થયો હતો. કોંગ્રેસ અને આરજેડી નેતાઓ વચ્ચે બે રાઉન્ડની બેઠકોમાં ચર્ચા થઈ.
આ પહેલા આરજેડી લગભગ એક ડઝન સીટો પર પોતાના ઉમેદવારોને પાર્ટી સિમ્બોલ આપી ચૂકી છે. આ અંગે કોંગ્રેસના અનેક નેતાઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો. પૂર્ણિયાની બેઠક પર તાજેતરમાં પોતાના પક્ષનો કોંગ્રેસમાં વિલય કરનારા પપ્પુ યાદવનો દાવો હતો. પણ એ બેઠક પર આરજેડીએ બીમા ભારતીને ટિકીટ આપી દીધી હતી. પપ્પુ યાદવ હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે તેવી સંભાવના છે. ભાજપે પણ તેમને પક્ષમાં આવવા જાહેર આમંત્રણ આપ્યું છે.