કેન્સરના દર્દીઓને નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ
- દિલ્હી પોલીસે પાટનગરની મોટી કેન્સર હોસ્પિટલના બે કર્મચારીની ધરપકડ કરી, નકલી દવાઓનો 4 કરોડનો જથ્થો જપ્ત કર્યો
દિલ્હી પોલીસે દિલ્હી-ગુરુગ્રામમાંથી નકલી કેન્સરની દવાઓ વેચતા લોકોની ધરપકડ કરી છે. બે આરોપીઓ દિલ્હીની એક મોટી કેન્સર હોસ્પિટલના કર્મચારી પણ છે. મળતી માહિતી મુજબ તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડિત લોકોને મૂર્ખ બનાવી રહ્યા હતા. દિલ્હી પોલીસને આ રેકેટનો હવાલો મળ્યો અને હવે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસે કુલ નવ બ્રાન્ડની નકલી કેન્સર દવાઓ હતી, જેની કિંમત 4 કરોડ રૂૂપિયા હોવાનું કહેવાય છે.
પોલીસે જણાવ્યું કે, કેન્સરની દવા હોવાનો ડોળ કરીને નકલી ઈન્જેક્શન રિફિલ કરીને આ લોકોએ માત્ર ભારત જ નહીં પરંતુ નેપાળ અને આફ્રિકન દેશોના નાગરિકોને પણ મૂર્ખ બનાવ્યા છે.
પોલીસે માહિતી શેર કરી છે કે આ એક ગેરકાયદેસર ધંધો હતો જે ખતરનાક રીતે ચલાવવામાં આવી રહ્યો હતો. જેમાં આરોપીઓ હોસ્પિટલોમાંથી ખાલી લેબલવાળી બોટલો ભેગી કરીને નકલી દવાઓ ભરીને કેન્સરની દવા તરીકે વેચતા હતા. પશ્ચિમ દિલ્હીમાં ડીએલએફ કેપિટલ ગ્રીન્સના બે ફ્લેટમાંથી આ રેકેટ ચાલતું હતું. દિલ્હી પોલીસ અને દિલ્હી સરકારના ડ્રગ્સ કંટ્રોલ દ્વારા દરોડા દરમિયાન ગુડગાંવ સ્થિત હોસ્પિટલોના કર્મચારીઓ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી નકલી દવાઓની 140 થી વધુ શીશીઓ (જેની કિંમત આશરે 4 કરોડ રૂૂપિયા હોવાનું માનવામાં આવે છે) મળી આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા પછી, આરોપીઓને પકડવા માટે - મોતી નગર, ગુડગાંવમાં સાઉથ સિટી, યમુના વિહાર અને દિલ્હીની એક હોસ્પિટલ - ચાર સ્થળોએ એક સાથે દરોડા પાડવા માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. જે બાદ વિફિલ જૈન (46), સૂરજ શત (28), નીરજ ચૌહાણ (38), તુષાર ચૌહાણ (28), પરવેઝ (33), કોમલ તિવારી (39), અને અભિનય કોહલી (30) ઝડપાયા હતા.ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી શીશીઓમાં દવાઓ ભરીને તેની કિંમત નક્કી કરતો હતો. આ રીતે સામાન્ય લોકોને મૂર્ખ બનાવીને તેઓ ખૂબ કમાણી કરતા હતા.