હરિયાણાની 90 બેઠકો પર ઉત્સાહભેર મતદાન
464 અપક્ષ સહિત 1031 ઉમેદવારોનું ભાવિ થશે સીલ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર, 8મીએ પરિણામ
હરિયાણામાં આજે 90 સભ્યોવાળી વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. આ વિધાસભામાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને કોંગ્રેસના વિનેશ ફોગાટ, જેજેપીના દુષ્યંત ચૌટાલા સહિત કુલ 1031 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. જેમાંથી 464 ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. સવારથી ભારે ઉત્સાહપૂર્વ મતદાન શરૂ થયું છે.
આ ચૂંટણીમાં 2 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સત્તાધારી ભાજપ રાજ્યમાં જીતની હેટ્રિક લગાવવાની આશા રાખી બેઠું છે. જ્યારે કોંગ્રેસ એક દાયકા બાદ વાપસી કરરવાની આશા રાખી બેઠી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, ઈનેલો-બસપા અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી સામેલ છે. મતગણતરી 8 ઓક્ટોબરના રોજ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે. તમામ મતદારોને અપીલ છે કે તેઓ લોકતંત્રના આ પાવન ઉત્સવનો ભાગ બને અને મતદાનનો એક નવો રેકોર્ડ બનાવે. આ અવસરે પહેલીવાર મતદાન કરી રહેલા રાજ્યના તમામ યુવા સાથીઓને મારી ખાસ શુભકામનાઓ.
ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરે ઝજ્જરમાં આજે સવારે પહેલીવાર મતદાન કર્યું. મનુ ભાકરે કહ્યું કે દેશના યુવા હોવાના નાતે આ અમારી જવાબદારી છે કે અમે અમારા સૌથી સારા ઉમેદવાર માટે મતદાન કરીએ. તેણે કહ્યું કે નાના પગલાંથી જ મોટા લક્ષ્યાંક મેળવી શકાય છે. મનુ ભાકરે કહ્યું કે આ તેમના જીવનનો પહેલો અવસર છે જ્યારે તે મતદાન કરી રહી છે.
હરિયાણાની અંદર છેલ્લા એક દાયકાથી શાસન કરી રહેલા ભાજપને સતત ત્રીજીવાર સત્તા મળશે તેવી આશા છે જો કે ભાજપ સામે 10વર્ષની સત્તા વિરોધી લહેરને પાર કરવાનો પડકાર છે. વર્ષ 2014માં મોદી લહેરથી ઉત્સાહિત ભાજપે પ્રદેશમાં 47 સીટો મેળવી હતી અને મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં પહેલીવાર સરકાર બનાવી હતી. હાલના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પણ સારા પરિણામની આશા રાખી બેઠા છે.
બીજી બાજુ કોંગ્રેસને પણ એવી આશા છે કે હાલની લોકસભા ચૂંટણીમાં સારા પરિણામોનો ફાયદો ઉઠાવશે. પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં સાત ગેરંટી આપવામાં આવી છે. જેમાં એમએસપી માટે કાનૂનનું આશ્વાસન, જાતિ સર્વેક્ષણ અને મહિલાઓ માટે 2000 રૂૂપિયા માસિક ભથ્થું સામેલ છે.
કિંગમેકરની રેસમાં છે આ દળો!
દુષ્યંત ચૌટાલાની જે.જે.પી
ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી
ઓમ પ્રકાશ ચૌટાલાની ઈનેલો
માયાવતીની બસપા
અરવિંદ કેજરીવાલની અઅઙ