છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે(6 ઓગસ્ટ, 2025) નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ પણ સામે જવાબ આપ્યો છે અને એક નક્સલીને ઠાર કર્યો છે. ઠાર કરાયેલા નક્સલી પાસેથી અત્યાધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ગંગાલુ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. બંને તરફથી ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. બીજીતરફ ગુંજેપર્તી ગામમાં IED બ્લાસ્ટ થતાં એક યુવકને ઈજા થઈ છે.
અહેવાલ મુજબ સુરક્ષા દળોની ટીમને નક્સલવાદીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ટીમે ગંગાલૂર ગામમાં જઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ અચાનક આડેધડ ગોળીબાર કરી દીધો હતો. અધિકારીઓએ અથડામણમાં એક નક્સલી ઠાર થયો હોવાની પુષ્ટી કરી છે.
આ ઓપરેશન DRG અને STF ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી એક નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે અને હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા જંગલમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી ઓપરેશન પર ગઈ ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
તેમણે કહ્યું કે અત્યાર સુધી ઘટનાસ્થળેથી એક નક્સલીનો મૃતદેહ અને હથિયાર મળી આવ્યા છે. મહાનિરીક્ષકે કહ્યું કે કામગીરી હજુ પણ ચાલુ હોવાથી, તાત્કાલિક વધુ માહિતી આપી શકાતી નથી. આ કાર્યવાહી સાથે, આ વર્ષે છત્તીસગઢમાં અત્યાર સુધીમાં 227 નક્સલીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના બસ્તર વિભાગમાં માર્યા ગયા છે.
ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ, એકને ઈજા
અન્ય એક ઘટનામાં બિજાપુર જિલ્લાના ઈલમિડીના ગુંજેપર્તી ગામમાં આઈઈડી વિસ્ફોટ થતા એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. માહિતી મુજબ, ઈલમિડીનો રહેવાસી પ્રમોદ કકેમ ગુંજેપર્તીમાં સંબંધીના ઘરે આવ્યો હતો. આ દરમિયાન તે સ્નાન કરાવ માટે ગામ પાસેની એક નદી તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેનો પગ નક્સલીઓએ જમીનમાં દાટેલ આઈઈડી પર પડતા બ્લાસ્ટ થયો હતો. ઈજાગ્રસ્ત પ્રમોદને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.