મહાકુંભમાં ભીડને પહોંચી વળવા કટોકટી યોજના; 12 કિ.મી. દૂર જ ટ્રાફિક મેનેજમેન્ટ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભને હવે માત્ર એક અઠવાડીયું જ બાકી છે તેમ છતા ભાવીકોની ભીડ ઓછી થઇ રહી નથી તેના કારણે સ્થાનિક પ્રશાસને કટોકટી યોજના અસમલમાં મુકી છે અને ભીડને પહોંચી વળવા માટે સંગમ ઘાટથી 12 કીમી દુર જ વાહનો અટકાવી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે અથવા તો વાહનોને રોકી દેવામાં આવી રહ્યા છે. પરિણામે ભાવિકોને 10 થી 12 કિલોમીટર ચાલીને ઘાટ સુધી પહોંચવું પડી રહ્યું છે.
ગંગા પથ ઉપર ભીડ ઓછી કરવા ટ્રાફીક નાગવાસુકી ઢાળ ને ફાફામાઉ તરફ વાળવામાં આવી રહ્યો છે તેમજ ફાફામાઉ રેલવે સ્ટેશનેથી વધારાની 14 ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે. મહાકુંભમાં ગઇકાલ સુધીમાં 55 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યાનો તંત્રએ દાવો કર્યો છે. એક તરફ રસ્તાઓ પર વાહનોની અવરજવર હતી તો બીજી બાજુ સંગમમાં હોડીઓનો જામ હતો. સંગમ તરફ જતા રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ છે. ડાયવર્ઝન માટે પોલીસ ટીન શેડ બનાવી રહી છે.