દોષિત નેતાઓ પર ચૂંટણી પ્રતિબંધ: સર્વપક્ષીય બેઠક બોલાવી નિર્ણય લો
સુપ્રીમ કોર્ટમાં ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધની માગ કરતી અરજીના મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલા જવાબના કારણે દાગી નેતાઓનો મુદ્દો ફરી ચર્ચામાં છે. દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધની માગ કરતી અરજી પરના જવાબમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધની માગનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, દોષિત ઠરેલા નેતાને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે એ પૂરતું છે. કેન્દ્ર સરકારે એવી રજૂઆત પણ કરી છે કે, દોષિત નેતાની ગેરલાયકાત અંગે નિર્ણય લેવો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે તેથી સુપ્રીમ કોર્ટે આ વાતમાં ના પડવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે એપ્રિલ 2013માં ચુકાદો આપેલો કે જે ધારાસભ્યો અને સાંસદોને ઓછામાં ઓછી 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી લઈ લેવાશે. અલબત્ત તેની સામે અપીલ કરવા માટે 3 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. આ ત્રણ મહિનાના ગાળામાં મોટા ભાગના રાજકારણીઓ સજા પર સ્ટે લઈ આવે છે તેથી સજાનો મતલબ રહેતો નથી. આ કારણે કાયદામાં એ ફેરફાર પણ કરવો જોઈએ કે, એક વાર સજા થાય પછી ઉપલી કોર્ટમાં નિર્દોષ ના ઠરે ત્યાં સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ જ હોવો જોઈએ. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા વ્યાપક અસરો ધરાવે છે તેથી તેના વિશે ઉતાવળે નિર્ણય ના લેવાવો જોઈએ.
કેન્દ્ર સરકારને આજીવન પ્રતિબંધ મૂકવા સામે પણ વાંધો છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે દખલ કરે એ પણ પસંદ નથી. કેન્દ્ર સરકારની એ દલીલ સાચી છે કે, આ મામલો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે તેથી સુપ્રીમ કોર્ટે તેમાં દખલ ના કરવી જોઈએ. આ મુદ્દે કોઈ મતભેદ નથી ને ખુદ સુપ્રીમ કોર્ટ આ વાત સ્વીકારી ચૂકી છે. અત્યારે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં કરીને બે વર્ષથી વધારે સજાના દરેક કેસમાં સરખો વ્યવહાર કરાય છે. તેના બદલે મોદી સરકારે ગંભીર કેસો માટે અલગ ધારાધોરણ અને સામાન્ય કેસો માટે અલગ ધારાધોરણ એવો કાયદો બનાવવો જોઈએ અથવા સરકાર આ મુદ્દે તમામ પક્ષોના નેતાઓને બોલાવી કાનુની વિદો તથા આરએમ ધરાવતા સર્વ વર્ગોને સામે રાખી નિર્ણય લે તે જરૂરી છે.