3 રાજ્યમાં આપ-કોંગ્રેસ વચ્ચે ડીલ: ગુજરાતની બે બેઠકો ઝાડુને
- દિલ્હીની 7માંથી ત્રણ બેઠક કોંગ્રેસને ફાળે: હરિયાણામાં કોંગ્રેસ આપને એક બેઠક આપશે: પંજાબમાં સમજૂતી વિશે અસમંજસ
બંગાળમાં એકલા હાથે ચુંટણી લડવાની તૃણમુલ કોંગ્રેસની જાહેરાત અને બિહારમાં નીતિશકુમારે પલટી માર્યા પછી ઇન્ડિયા ગઠબંધન વેરવિખેર થયુંં હતું પણ હવે ગાડી પાટે ચડી રહી હોય તેમ લાગે છે.લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન હેઠળ દિલ્હીમાં ચૂંટણી લડવા માટે સંમત થયા હોય તેવું લાગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, નવી દિલ્હી અને પશ્ચિમ દિલ્હીની બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બાકીની ત્રણ સીટો નોર્થ ઈસ્ટ, ચાંદની ચોક અને ઈસ્ટ દિલ્હી કોંગ્રેસને મળી શકે છે.
આ ઉપરાંત અન્ય બે રાજ્યોમાં પણ આપઅને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી નક્કી કરવામાં આવી છે. વહેંચણીની જે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે તે મુજબ અઅઙ દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો આપવામાં આવશે. જ્યારે હરિયાણામાં કોંગ્રેસ એક સીટ આમ આદમી પાર્ટીને અને 2 સીટ ગુજરાતમાં આપશે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ભરૂચ માટે ચૈતર વસાવા અને ભાવનગર માટે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ જાહેર કરી દીધું છે.
અગાઉ, ઉતરપ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠક સમજુતી થઇ હતી. એ મુજબ 80 બેઠકોમાંથી 17 બેઠકો કોંગ્રેસ લડશે, જયારે બાકીની સમાજવાદી પાર્ટી લડશે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારત ગઠબંધનને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે ઝખઈ લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. આ પછી વિપક્ષી એકતા પ્રયાસના નેતા નીતિશ કુમાર પણ ઈન્ડિયા અલાયન્સમાં સામેલ થઈને ગઉઅમાં સામેલ થઈ ગયા. યુપીમાં આરએલડી પણ એનડીએમાં સામેલ થઈ ગઈ છે.
હું આપના ઉમેદવારનો પ્રચાર કરીશ નહીં: મુમતાઝ પટેલ
ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂૂચ બેઠકની ઉમેદવારી આમ આદમી પાર્ટીના ફાળે જવાથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. આ બેઠક પર અહેમદ પટેલના પરિવારના સમર્થકો નિર્ણયથી હતાશ છે. કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની મજબૂત દાવેદારી હતી. સીટની ફાળવણી બાદ મુમતાઝ પટેલે નિર્ણય સામે કહ્યું હતું કે હું કોંગ્રેસના સૈનિક તરીકે નિર્ણયથી સાથે છું પણ સહમત નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે કોંગ્રેસના કાર્યકર તરીકે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશ નહીં. આપ ને સીટની ફાળવણીથી નારાજ હોવાની મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરી હતી.