અર્થતંત્રના અચ્છે દિન: વિકસિત ભારતની શરૂઆત થઈ ચૂકી છે: નાણામંત્રી
વર્ષ 2024ના પહેલાં ક્વાર્ટરમાં 8.2 ટકાનો વિકાસ દર, મોંઘવારી પણ કાબુમાં રહેશે : આવતીકાલે બજેટમાં રાહતોની ભરમારથી આવતા વર્ષનો વિકાસ દર 6.50થી 7 ટકા રહેવાનું અનુમાન રજૂ કરાયું
બજેટના એક દિવસ પહેલા આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં ભારતના અર્થતંત્ર પર કોરોનાની અસર સમાપ્ત થઈને હવે આવતાં વર્ષે 6.50 થી 7 ટકા દરે અર્થ તંત્ર વિકાસ પામશે તેવું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. આજે રજુ કરાયેલા આર્થિક સર્વેમાં એક પણ દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે મોંઘવારી 4.5 ટકા અને ત્યારબાદ વર્ષ 2026માં 4.1 ટકાના દર આસપાસ રહેશે. આગામી સમયમાં પર્યાવરણ કે વૈશ્ર્વિક પરિબળો ખાસ અસર ન કરે તો ભારતીય અર્થતંત્રની તેજી જળવાઈ રહે તેવો આશાવાદ પણ રજૂ કરવામાં આવ્યો છે.
આજે રજુ કરાયેલ આર્થિક સર્વેમાં ભારતના અર્થતંત્રને લાગતા તમામ પરિબળોનો ચિતાર રજુ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં મેન્યુફેચરીંગ, કૃષિ, પર્યાવરણ, ખાનગી ક્ષેત્ર, સર્વિસ સેકટર, ઉપરાંત એકસપોર્ટ ઈમ્પોર્ટ સહિતના અલગ અલગ માપદંડો પર ભારતીય અર્થતંત્રનો વાસ્તવિક ચિતાર રજુ કરવામાં આવ્યો છે. આજે રજુ કરાયેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલ ભારતની અર્થવ્યવસ્થા ટૂંકા ગાળા માટે ખૂબ જ મજબૂત છે. પરંતુ વૈશ્ર્વીક પરિબળોને લઈને એક લાંબા સમયની નીતિ પણ બનાવવી જોશે. જેથી અર્થતંત્રને આવનારા પડકારોથી બચાવી શકાય.
આજે રજુ કરાયેલ ઈકોનોમીક સર્વેમાં વર્ષ 2024 દરમિયાન અર્થતંત્ર 8.2 ટકાના દરે વિકાસ પામ્યું હતું. આ ઉપરાંત નોંધપાત્ર રીતે આરબીઆઈ દ્વારા પગલાં લેવામાં આવતાં મોંઘવારી પણ કોરોના પછી 5.4 ટકાના સૌથી નીચલા સ્તરે છે.
ભારતના 50 ટકા ગ્રેજ્યુએટ પાસે નોકરી માટે જરૂરી સ્કિલ નથી
ભારતની ઝડપથી વિકસતી વસ્તીના 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયની છે અને ઘણી પાસે આધુનિક અર્થતંત્ર માટે જરૂૂરી કૌશલ્યોનો અભાવ છે. આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ અંદાજો દર્શાવે છે કે લગભગ 51.25 ટકા યુવાનોને રોજગાર લાયક ગણવામાં આવે છે. બાકીના ગેરલાયક છે. બીજા શબ્દોમાં કહીએ તો, લગભગ બેમાંથી એક કોલેજમાંથી બહાર પડતાં ગ્રેજ્યુએટ સહેલાઈથી નોકરીપાત્ર નથી, જો કે, એ નોંધવું જોઈએ કે છેલ્લા દાયકામાં ટકાવારી લગભગ 34 ટકાથી વધીને 51.3 ટકા થઈ છે, 2022-23માં બેરોજગારીનો દર ઘટીને 3.2 ટકા થવા સાથે છેલ્લા છ વર્ષમાં ભારતીય શ્રમ બજારના સૂચકાંકોમાં સુધારો થયો છે.
આખી પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ, રાહુલના નિવેદનથી હોબાળો
સંસદમાં ચોમાસું સત્ર શરૂૂ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે જ લોકસભામાં પેપર લીક મામલે હોબાળો થઈ ગયો છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ‘દેશની પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ છે. શિક્ષણ મંત્રીને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે? દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે. જે એ વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે. લાખો લોકો માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી શકો છો. વિપક્ષ પણ આવું જ વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે. ફક્ત NEETમાં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગરબડ થઈ રહી છે. મંત્રી (ધર્મેન્દ્ર પ્રધાન)એ પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે. મને નથી લાગતું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતોને પણ સમજે છે. રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, મારૂૂ શિક્ષણ અને સંસ્કાર તેમજ મારા જાહેર જીવનને મારા નાગરિકોની મંજૂરીની મહોર મળી છે. મારે ગૃહમાં કોઈ પ્રકારની સ્વીકૃત્તિ જોઈતી નથી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે.