વિશ્વને સ્ત્રી દાક્ષિણ્યની દિશા દેખાડે છે દ્વારિકાનાથ
શ્રીકૃષ્ણ નામ લઈએ એટલે ફરફરતું મોરપીંછ, સૂરોમાં તરબોળ વાંસળી,પીળું પીતાંબર,નમણી ગાયો, કાન ઘેલી ગોપીઓ,વ્રજ નિકુંજમાં વિહરતા રાધાજી તેમજ બાળ કૃષ્ણના તોફાનો માણતા યશોદાજી સહિત અગણિત વાતો યાદ આવે. ભગવાન શ્રીકૃષ્ણ એ સ્વીકારના પર્યાય છે. મોં પર સ્મિત અને સહજતાથી વ્યક્તિ અને પરિસ્થિતિનો સ્વીકાર કરવાની શીખ તેઓ આપે છે.કોઈપણ અગ્નિપરીક્ષા લીધા વગર તેના તરફ એક ડગલું ભરીએ તો તે દસ ડગલાં નજીક આવે છે. રાધાના પ્રેમને સ્વીકારે છે અને તેને પોતાના નામની આગળ સ્થાન આપે છે તો ગોપીઓના સમર્પણનો પણ એ જ ભાવે સ્વીકાર કરે છે. કુબ્જાની ભક્તિ હોય, યશોદાનું માતૃત્વ હોય, બહેન સુભદ્રાનો ભ્રાતૃ પ્રેમ હોય કે પછી દ્રૌપદીનો મૈત્રી ભાવ હોય દરેક સંબંધમાં શ્રીકૃષ્ણએ અનોખી છાપ છોડી છે.સંસારને શીખ આપવા દરેક સંબંધનું મૂલ્ય સમજાવવા તેઓએ જે લીલા રચી છે તેમાં અનેક સ્ત્રી પાત્રો તેમની સામે આવ્યા.
દરેક સ્ત્રી સાથે માન,સન્માન ,પ્રેમ,આદર,કરૂણા,મૈત્રીપૂર્ણ વ્યવહાર તેઓએ કર્યો. કળિયુગના સમયની તેઓને જાણ હતી અને એટલે જ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ આવશ્યક એવું સ્ત્રી દાક્ષિણ્ય અને સ્ત્રીઓ પ્રત્યે આદર,માન અને સન્માનની દ્દષ્ટિ રાખવાનું પોતાના જીવન દ્વારા શીખવ્યું. આજે સમાજમાં સ્ત્રીઓ સાથે અનેક દુ:ખદ ઘટનાઓ બને છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જે સ્ત્રી દાક્ષિણ્ય જાળવ્યું તેની કળિયુગના સમયમાં તાતી જરૂૂર છે અને એટલે જ આજે ‘ઉડાન’માં આ વિષયને વધુ પ્રકાશિત કરે છે જાણીતા કથાકાર મીરાંબેન ભટ્ટ અને કથાકાર ડો. કવિતાબેન ઠાકર
સ્ત્રી સન્માનનું શ્રેષ્ઠ કીર્તિમાન સ્થાપિત કર્યું છે શ્રીકૃષ્ણએ
ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ છે અને તેમના જીવનમાં જે સ્ત્રીતત્વ આવ્યા તે કોઈને કોઈ દેવી શક્તિઓ હતા. શ્રીકૃષ્ણએ જે જે લીલાઓ કરી તે લીલાઓ દ્વારા એક અદ્ભુત સ્ત્રી સન્માનનું શ્રેષ્ઠ કીર્તિમાન સ્થાપિત કર્યું છે. સૌ પ્રથમ તો ભગવાન કૃષ્ણનું નામ લઈએ એટલે એક નામ તરત યાદ આવી જાય તે છે રાધાજીનું નામ.રાધા અને કૃષ્ણ બે અલગ નથી.સ્વરૂૂપ અલગ છે, પણ તત્વ તો એક જ છે જગતને નિશ્ચલ, નિર્મળ અને અદ્ભુત પ્રેમ દર્શાવવા માટે ભગવાને આ અદ્ભુત લીલા કરી છે. રાધાજીના પ્રેમને ભગવાને અમર બનાવ્યો છે. આવા જ બીજા સ્ત્રી તત્વ એટલે દ્વારિકાનાથના મુખ્ય પટરાણી શ્રી રૂૂક્ષ્મણી દેવી, કે જેઓ સ્વયં લક્ષ્મીજીનો અવતાર કહેવાય છે.રૂૂક્ષ્મણીજીએ દ્વારિકાનાથને પત્ર લખ્યો ત્યારે કંઈ પણ વિચાર્યા વિના ભગવાન તેમનું સન્માન જાળવવા, પ્રેમ સ્વીકારવા વિદર્ભ ગયા. શિશુપાલ આદિ રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને તેઓને લઈ આવ્યા. જો તેના બીજા પટરાણી સત્યભામાની વાત કરીએ તો સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લાવવાની તેમની માંગણી શ્રીકૃષ્ણએ પળવારમાં સ્વીકારી. ભગવાન સ્વર્ગમાં ગયા,ઈન્દ્ર સાથે યુદ્ધ કરી પારિજાત વૃક્ષ લાવી સત્યભામાના બગીચામાં લગાવ્યું.
દ્વારિકાનાથની 1618 રાણીઓ છે જેમાં 16,100 ક્ધયાને ભૂમાસુર નામનો દૈત્ય હરણ કરી ગયો તે સહુ જાણે જ છે. જુદા જુદા રાજ્યની આ રાજકુમારીએ દ્વારિકાનાથને પત્ર લખી રક્ષા માટે બોલાવ્યા ત્યારે પળનો પણ વિલંબ કર્યા વગર રાક્ષસ સાથે લડ્યા અને બધી જ ક્ધયાઓને મુક્ત કરી.અપહરણ કરનાર ક્ધયાનો સ્વીકાર કોણ કરે?તેથી દ્વારિકાનાથે તેમના સ્વીકારની વિનંતીને માન આપી બધી જ ક્ધયાઓને દાસી તરીકે નહીં પરંતુ સન્માન જાળવવા પત્ની તરીકે સ્થાન આપ્યું. આ લગ્ન કોઈ કામભાવ માટે કર્યા નહોતા કારણ કે કૃષ્ણ તો યોગી છે ભોગી નહીં. આ સ્ત્રી સન્માનનું ખૂબ જ મોટું ઉદાહરણ છે.દ્રૌપદીજીના ચીરહરણ વખતે ભરી સભામાં કોઈ મદદે ન આવ્યું ત્યારે દ્રૌપદીની પોકારનો જવાબ કૃષ્ણએ ચીર પૂરીને આપ્યો હતો.આવા તો અનેક સ્ત્રી દાક્ષિણ્યના ઉદાહરણો ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં છે. અત્યારના સમયમાં જો આ ઉદાહરણોમાંથી ચપટી બોધ લેવામાં આવે તો પણ મનુષ્ય જાતિનો ઉદ્ધાર થઈ જાય.
સ્ત્રી સાથેના દરેક વ્યવહારમાં મૂઠી ઉંચેરા છે શ્રીકૃષ્ણ
કૃષ્ણ એટલે પરમપ્રેમ અને સ્નેહનું પ્રતિક. એમાંય કૃષ્ણ સાથે જોડાયેલા સ્ત્રી પાત્રો સાથે તેમનો ગરિમાપૂર્ણ સંબંધ અને સ્ત્રીના હૃદયને સમજી શકવાની તેમની ક્ષમતા એટલે કૃષ્ણનું અદ્ભુત વ્યક્તિત્વ. કૃષ્ણ સાથે જોડાયેલા સ્ત્રી પાત્રોમાં દેવકી હોય, યશોદા હોય, સુભદ્રા હોય કે પછી દ્રોપદી હોય દરેક સંબંધ અમૂલ્ય રહ્યો છે.દ્રૌપદી સાથેની મિત્રતાનો સંબંધ હોય, રૂૂક્ષ્મણી કે રાધા સાથેના પ્રેમાળ સંબંધો હોય કે પછી ગોપીઓ સાથેની અપ્રતિમ આત્મીયતા હોય કૃષ્ણ હંમેશા સર્વોપરી અને સ્ત્રી દાક્ષિણ્યથી સભર રહ્યા છે. સ્ત્રીના હૃદયને સમજી શકવાની ક્ષમતા કૃષ્ણના ઉદાર અને ગરિમાપૂર્ણ સન્માનનીય વ્યવહારમાં ડગલે ને પગલે દેખાય છે.કૃષ્ણની આ વિશેષતા એમને અન્યથી અલગ ઓળખ આપે છે.
દેવકી અને યશોદા એ એવા બે વ્યક્તિત્વ, બે આયામો છે કે જ્યાં માત્ર ને માત્ર વાત્સલ્યભાવ વહે છે. પરમાત્માને પુત્રરૂપે પ્રાપ્ત કરવાની ઘટના દિવ્ય અને ભવ્ય છે પણ શાસ્ત્રોમાં જ્યારે દેવકી અને યશોદાનો ઉલ્લેખ થાય છે ત્યારે બંને માતાઓ કૃષ્ણને ફક્ત અને ફક્ત પુત્ર તરીકે જ સ્વીકારવા માગે છે.નારદ ભક્તિ સૂત્રમાં આત્મ નિવેદન ભક્તિની જે વાત છે તેમાં શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ગોપી. જો હૃદયનો શુદ્ધ ભાવ અને નિર્વ્યાજ પ્રેમ હોય તો તમે અને હું પણ ગોપી બની શકીએ.દ્રોપદી સાથેની શુદ્ધ મિત્રતાનું ઉદાહરણ માનવ ઇતિહાસમાં શોધ્યું ના જડે. પોતાના સમગ્ર અસ્તિત્વથી સામેની વ્યક્તિને સ્વીકારી શકે તેવું સર્વોત્તમ ઉદાહરણ દ્રૌપદી અને કૃષ્ણની મૈત્રીનું છે.
દેવકી-યશોદાનો પુત્ર હોય, રૂક્ષ્મણીનો પતિ હોય,રાધાનું હૃદય હોય કે પછી દ્રૌપદીનો મિત્ર હોય દરેક સંબંધમાં કૃષ્ણ મૂઠી ઉંચેરા સાબિત થયા છે.એ પુરુષ શ્રેષ્ઠ પુરુષ છે જેના મનની અંદર,જેની આંખોમાં, જેના હૃદયમાં સ્ત્રી પ્રત્યે ગૌરવ છે,માન છે સન્માન છે.એ સ્ત્રી મા,બહેન,દીકરી,પત્ની કે પછી ઓફિસની કોઈ કર્મચારી પણ હોય શકે છે.પ્રેમ અશરીરી ત્યારે બની શકે જ્યારે આત્માની સમજણ શક્તિ વિકસે.અત્યારના કળિયુગના સમયમાં તમને કૃષ્ણ મળે ન મળે પણ તમે આ ભાવ સાથે તમારા વ્યક્તિત્વનું,તમારા ચારિત્ર્યનું નિર્માણ કરો તો બની શકે ક્યારેક કોઈ સ્વરૂપમાં તમને કૃષ્ણ આવીને મળે.અત્યારના સમયમાં જો કોઈ કૃષ્ણના વ્યવહારમાંથી જરાક જેટલું પણ ગ્રહણ કરે તો સમાજમાં સ્ત્રીઓનું આત્મસન્માન, આત્મ ગૌરવ જળવાઈ રહે.
Written By: Bhavna Doshi