કોટનની ડ્યૂટી ફ્રી આયાત વધુ ત્રણ મહિના લંબાવાઇ
ટ્રમ્પના ટેરિફ બોમ્બ વચ્ચે ભારત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે કોટનની ડ્યુટી-ફ્રી ઈમ્પોર્ટને 3 મહિના એટલે કે, 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી દીધી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા મસમોટા ટેરિફ બાદ સરકારે આ નિર્ણય લીધો છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતા કપડા પર 50% ટેરિફ લગાવી દીધો છે. આના કારણે ભારતીય ટેક્સટાઈલ અને ટેક્સટાઈલ ઉદ્યોગ પર ખર્ચ અને નિકાસ સ્પર્ધાત્મકતાનું દબાણ વધી ગયુ છે.
અમેરિકાએ ભારતમાંથી આવતા ઉત્પાદનો પર વધારાની ડ્યુટી લાદી છે. તેનું કારણ ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાનો અને અમેરિકન ઉત્પાદનો માટે બજાર ખોલવાનો ઈનકાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારનું માનવું છે કે ડ્યુટી-ફ્રી કોટન ઈમ્પોર્ટથી સ્થાનિક ઉદ્યોગને ઓછા ખર્ચે કાચો માલ મળશે. આનાથી અમેરિકન ટેરિફની અસરને અમુક અંશે સંતુલિત કરી શકાશે. ઙઈંઇના રિપોર્ટ પ્રમાણે ભારતની ટેક્સટાઈલ
ઈન્ડસ્ટ્રી લગભગ 350 અબજ ડોલરનો છે અને તે કૃષિ પછી બીજા ક્રમનો સૌથી મોટો રોજગાર આપતો ઉદ્યોગ છે. આમાં 4.5 કરોડથી વધુ લોકો આ સેક્ટર સાથે સીધા સંકળાયેલા છે. ભારતે 2023-24માં 34.4 બિલિયન ડોલરના કાપડની નિકાસ કરી હતી.
દરમિયાન, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સરકારના આ નિર્ણયની નિંદા કરી. તેમણે સરકારના આ નિર્ણયને ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત ગણાવ્યો.અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે પીઠ પાછળ ગુપ્ત રીતે આવા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, જે દેશભરના ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત છે. હાલમાં 90% - 95% ખેડૂતોને ખબર નથી કે શું થયું છે, અને જ્યારે આ નિર્ણયો બહાર આવશે, ત્યારે ઘણા ખેડૂતો પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.
તેમણે કહ્યું કે તાજેતરમાં પીએમ મોદીએ ટ્રમ્પ અને અમેરિકાના દબાણ હેઠળ નિર્ણય લીધો છે કે અમેરિકાથી ભારતમાં જે કપાસ આવે છે, તેના પર અત્યાર સુધી 11% ડ્યુટી લગાવવામાં આવતી હતી. આ કારણે, ભારતીય ખેડૂતોનો કપાસ અમેરિકાના કપાસ કરતા સસ્તો હતો. તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે ભારતે ઉલટાનું અમેરિકી કપાસ પર ડયુટી 11 ટકાથી વધારી 50 ટકા કરવી જોઇતી હતી.