ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ આવતા ડ્રીમ 11 હવે મફત ગેમ રમાડશે
9000 કરોડની કમાણી કરનાર કંપનીની નવી ઇનિંગ્ઝ
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ઓનલાઇન ગેમિંગ બિલને પગલે દિગ્જ કંપનીઓના પાટીયા પડવાની તૈયારીમાં છે. જેના કારણે આ ક્ષેત્રની મહાકાય કંપની Dream11ને તેનો કારોબાર સમેટવાની ક્ષણ આવી પહોંચી છે. નોંધનીય છે કે આ કંપનીની આવક રૂૂ. 9,000 કરોડથી વધુની છે.
ઓનલાઇન મની ગેમ્સ પરના પ્રતિબંધના બિલને પહેલા સંસદમાં અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઇ છે.આના પગલે ઓનલાઇન ગેમિંગ સાથે જોડાયેલી કંપની Dream11એ તેના રીયલ મની ગેમિંગ યુનિટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જાણકાર સૂત્રોની મળેલી વિગત મુજબ Dream11 પોતાના ગેમિંગ બિઝનેસને બંધ કરી રહ્યો છે.
તેનું કારણ એ છે કે સરકારનો નવો નિયમ ઓનલાઇન ગેમ્સ પર કાયદાકીય રીતે પ્રતિબંધ લગાવે છે. પરિણામે Dream11ના પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ 28 કરોડથી વધુ યુઝર્સને આંચકો લાગ્યો છે. ફેન્ટસી ગેમિંગ કંપની Dream11ની 2008માં શરૂૂ થઈ હતી. તેના સ્થાપક હર્ષ જૈન અને ભાવિત શેઠ છે. આ પ્લેટફોર્મને જબરદસ્ત લોકપ્રિયતા સાંપડી છે અને તે 28 કરોડથી વધુ યુઝર બેઝ ધરાવે છે અને નાણાકીય વર્ષ 2023-24માં તેની કમાણી રુ. 9,600 કરોડ હતી. અહેવાલ મુજબ જોઈએ તો તેની 90 ટકા આવક રીયલ મની કોન્ટેસ્ટમાંથી જ આવે છે. તેમા ક્રિકેટ સાથે જોડાયેલી ગેમ્સનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો.
દરમિયાન, સંસદમાં બિલ પસાર થતાંની સાથે જ, 22 ઓગસ્ટના રોજ ડ્રીમ ઈલેવન તરફથી એક સત્તાવાર નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે અમે ડ્રીમ11 પરની બધી પેઇડ સ્પર્ધાઓ બંધ કરી દીધી છે અને અમે હવે સંપૂર્ણપણે મફત ઓનલાઈન સોશિયલ ગેમ તરફ વળી ગયા છીએ.
ઉલ્લેખનીય છે કે સરકારે ઓનલાઈન ગેમિંગ એક્ટને 2 શ્રેણીઓમાં વિભાજિત કર્યો છે. પ્રથમ શ્રેણીમાં ઈ-સ્પોર્ટ્સ ગેમ્સનો સમાવેશ થાય છે, જે એકદમ મફત છે. બીજી બાજુ, રિયલ મની ગેમ્સ જેમાં યુઝર્સ પૈસાની આપ-લે કરે છે. સરકારે ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 દ્વારા રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં તેની અસર હવે ડ્રીમ ઈલેવન, માય ઈલેવન સર્કલ જેવી ગેમિંગ એપ્સ પર દેખાઈ રહી છે.