આંખોનો ઈલાજ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી છે ડો.ખ્યાતિ કેશવાલાએ
- છેલ્લા પોણા બે વર્ષથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉપલેટામાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકેની ફરજ બજાવે છે ડો.ખ્યાતિ
- નાનપણમાં ઇન્જેક્શન આપતા ડોક્ટરને પોતે મોટા થઈને ઇન્જેક્શન આપશે તેવો નિખાલસ ભાવ પોતાને ડોક્ટર બનાવશે તે ખબર નહોતી
મુંબઈમાં રહેતી એ નાનકડી દીકરી જ્યારે બીમાર પડતી અને ડોક્ટર ઇન્જેક્શન આપતા ત્યારે ગુસ્સે થઈને પોતાની માતાને કહેતી કે હું પણ મોટી થઈ ડોક્ટર બનીશ અને આ ડોક્ટર અંકલને ઇન્જેક્શન આપીશ.નાની બાળકીનો એ નિખાલસ ભાવ ખરેખર હકીકતમાં બદલાશે અને પોતે ડોક્ટર બનશે એ કોઈને ખબર નહોતી. એ બાળકી ડોક્ટર બનીને આજે અનેક લોકોની સારવાર કરી રહ્યા છે.તેમની સુંદર કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળ્યા છે.જન્મભૂમિ મુંબઈ પણ પોરબંદર અને ઉપલેટાને કર્મભૂમિ બનાવનાર ખ્યાતિ પામેલા આ ડોક્ટર એટલે ખ્યાતિ કેશવાલા.આ નામ ઉપલેટા અને આસપાસના શહેરોમાં ખૂબ જાણીતું છે, કારણ કે ખ્યાતિબેનની સરળતા,કામ પ્રત્યેની નિષ્ઠા અને લગન તેમજ હરહંમેશ દર્દીઓની ચિંતાના કારણે લોકોમાં તેમની ચાહના ખૂબ મોટી છે.
જન્મ અને અભ્યાસ મુંબઈમાં થયો. પિતા વેજાભાઈ કેશવાલા સીએ છે અને માતા મધુબાલા કેશવાલા ગૃહિણી હોવા છતાં ઉચ્ચ અભ્યાસ કરેલ હોવાથી દરેક બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. ત્રણ ભાઈ-બેનમાં સૌથી મોટા એવા ખ્યાતિબેને ફાતિમા હાઇસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ અને નાયર હોસ્પિટલ ટીએમએનસી (ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ)માંથી એમબીબીએસ કર્યું. લગ્ન થતાં પોરબંદર આવવાનું થયું અને ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પતિ ડો. કાનાભાઈ ગરેજા પોરબંદરમાં આઇ સર્જન હોવાથી એ જ ફિલ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું. જીપીએસસી ક્લિયર કરી હોવાથી ઉપલેટા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે ઓર્ડર મળ્યો.પ્રેગ્નન્સી હોવા છતાં આવેલી તક કેમ જવા દેવાય? એમ વિચારી કામ શરૂૂ કર્યું. પોતાના આ અનુભવ બાબત તેઓ જણાવે છે કે,‘હોસ્પિટલમાં એક રૂૂમ, એક ટોર્ચ અને એક ડીઓ સાથે કામની શરૂૂઆત કરી.ઓપરેશન થિયેટરની કે બીજી કોઈ વ્યવસ્થા નહોતી છતાં પીઆઈયુ ડીપાર્ટમેન્ટને રજૂઆત કરી મેડિકલ સર્જિકલ રૂૂમને ઓપરેશન થિયેટર બનાવી નાની નાની સર્જરી શરૂૂ કરી. જાતે જઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ અમરેલીથી સર્જરી માટેના મશીન લાવ્યાં. આ રીતે દર્દીઓની બધી જ સારવાર ઉપલેટામાં શક્ય બનાવી.પિતાજી તરફથી મળેલ ઈમાનદારીના ગુણો તેમજ થાક્યા કે હાર્યા વગર કામ કરવાની ધગશ જોઈને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટનો પણ સહયોગ મળ્યો. આ રીતે ધીમે ધીમે ટ્રસ્ટ અને સરકારના સહયોગ મળતા ગયા અને તેમની હોસ્પિટલ સક્ષમ થતી ગઈ.’ આંખની કોઈપણ સારવાર હોય દર્દી સાજો, સારો થઈને જાય તેવી ખ્યાતિબેનની હૃદયપૂર્વકની ઈચ્છાના કારણે ધીમે ધીમે તેમની લોકપ્રિયતા વધવા લાગી.કોરોનામાં તેમની કામગીરીને લઈને તેમને પ્રોત્સાહન લેટર પણ મળ્યો હતો. હાલ તેઓ દરેક પ્રકારની સર્જરી અને સારવાર હોસ્પિટલમાં કરી રહ્યા છે. જામર, મોતિયો, વેલ, ત્રાસી આંખના ઓપરેશન, પ્રોસ્થેટિક આઈ, ઓક્યુલોપ્લાસ્ટિ, પાંપણ અંદર અથવા બહાર વળી જવી,બહાર ઢળી જવી વગેરે દરેક પ્રકારના ઓપરેશન તેઓ કરે છે. વીકમાં બે દિવસ ઓપીડી હોય છે એક દિવસમાં 20 જેટલા મોતિયાના ઓપરેશન તેઓ કરતા હોય છે આમ છતાં 350થી વધુનું વેઇટિંગ લીસ્ટ છે. ઉપલેટાના આજુબાજુના ગામડાં અમરેલી,વેરાવળ,સુરેન્દ્રનગર, જૂનાગઢ, સુરત, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર વગેરે જગ્યાએથી લોકો સારવાર માટે અહીં આવે છે.એક મહિના માટે તેઓ નાઇજીરિયા પણ ગયા હતા અને 1000થી વધુ સર્જરી કરી એવોર્ડ મેળવ્યો હતો.
છેલ્લા પોણા બે વર્ષથી તેઓ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે કે કોટેજ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકેની ફરજ બજાવે છે. ખ્યાતિબેનનો પરિવાર પોરબંદરમાં રહે છે તેઓને દસ વર્ષનો દીકરો અને આઠ વર્ષની દીકરી છે. પતિ ડો કાનાભાઈ ગરેજા આઈ સર્જન છે. સસરા અરજણભાઈ અને સાસુ ઊંધીબેન બંને બાળકોની કાળજી લે છે જેના કારણે તેઓ પોતાની કામગીરી સારી રીતે કરી શકે છે. પોરબંદરથી ઉપલેટા અપ ડાઉનમાં રોજનું 150 કિ.મી.નું ટ્રાવેલિંગ હોવા છતાં ખ્યાતિબેન કહે છે કે,‘હું મારા કામથી ખુશ છું. ટ્રાવેલિંગના સમયનો હું સદુપયોગ કરું છું અને ગમતા મુવી જોઉ છું અથવા તો ભગવત ગીતા પઠન કરું છું.’
તમારા સમય અને શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે જો તમે તમારો સમય અને શક્તિ સારી રીતે મેનેજ કરી શકો તો તમે ધારો તે સફળતા મેળવી શકો. ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે આ વાત ખૂબ જ યોગ્ય છે. જો તમે તમારી મદદ કરશો તો ભગવાન પણ તમને મદદ કરશે જેથી કંઈક કરવા માટે આગળ વધો અને તે હાંસિલ કરો.
મોબાઈલના નુકસાનથી બચવા આટલું કરો
ડો. ખ્યાતિબેન જણાવે છે કે મોબાઈલના અતિરેકના કારણે આંખના રોગો વધ્યા છે. એકધારું મોબાઇલ જોવાથી આંખ પટ પટાવવાની ક્રિયા ઓછી થાય છે, જેથી ડ્રાય આઈના પ્રશ્નો ઊભા થાય છે. ડ્રાય આંખ થવાથી ઈરિટેશન ,લાલ આંખ થવી અને ઘણી વખત નાના બાળકોને આંખો ત્રાસી પણ થઈ જાય છે. 45 મિનિટથી વધુ એકધારું મોબાઇલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ હાનિકારક છે. 45 મિનિટ થાય એટલે આંખ ખોલ-બંધ કરવી, દૂરનું જોવું, ગ્રીનરી જોવી તેમજ થોડી વાર આંખોને આરામ આપવો ખૂબ જરૂૂરી બની જાય છે. મોબાઇલના હિસાબે જ જે બેતાલા 40 વર્ષ પછી આવતા તે જલ્દી આવી જાય છે.