ભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો
સુપ્રીમ કોર્ટના આદેશ અને જીવદયા પ્રેમીઓ વચ્ચે કોર્પોરેશનની હાલત કફોડી, પકડેતો ય વાંધો અને ના પકડે તોય વાંધો
શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ગાઇડલાઇન જાહેર કરી રખડતા કૂતરાઓનો સર્વે અને ત્રાસ સામે લોકોને રક્ષણ મળે તે પ્રકારની જવાબદારી પૂર્વકની કાર્યવાહી કરવાનો દરેક મનપા અને નપાને આદેશ કર્યો છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની 39 હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજ, ગર્વમેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓ કે, જેમાં ગ્રાઉન્ડ અને પરીસર હોય તેઓએ તાત્કાલીક ધોરણે ફેન્સીંગ અને બાઉન્ટ્રી હોલ કરી રખડતા શ્ર્વાન પ્રિમાયસીમાં ધુસી ન જાય તેનુ ધ્યાન રાખવા અને એક નોડલ ઓફિસરની નિમણુક કરી મનપાને રિપોર્ટ આપવાની સૂચના આપ્યા બાદ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.
જે મુજબ રાત્રીના ભસતા અને લોકો પાછળ દોડતા કુતરાને ફરિયાદ ન લઇ ફકત કુતરૂ કરડે તેની જ ફરિયાદ લેવામાં આવી રહી હોવાનુ જાણવા મળેલ છે. જેના લીધે લોકોમાં દેકારો બોલી ગયો છે અને કોર્પોરેશનની હાલત સુડી વચ્ચે સોંપારી જેવી થઇ ગઇ છે.મનપાના પ્રણી રંજાડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રખડતા કૂતરાઓના ત્રાસ સામે નાગરિકોને રક્ષણ આપવા માટે તાજેતરમાં ૃસુપ્રીમ કોર્ટ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ શહેરમાં રખડતા તમામ કૂતરાઓનો સર્વે કરી તેમનો ચોક્કસ આંકડો તૈયાર કરવાની તેમજ પબ્લીક એકમો કે, જયાં સતત લોકોની અવર-જવર અને હાજરી રહેતી હોય તેવા એકમોમાં રખડતા કૂતરાઓ ધુસી રહ્યા છે.
કે કેમ તેની વિગત એકઠી કરવા સહિતની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની પરિસર વાળી તેમજ ગ્રાઉન્ડ વાળી 7 સરકારી સહિત 39 હોસ્પિટલો તેમજ મનપા સંચાલિત તમામ શાળાઓ તથા અન્ય ગર્વમેન્ટ સ્કૂલ અને મનપાના અર્બન સેન્ટરો તથા મેડિકલ કોલેજ સહિતના એકમોને સૂચના સાથે પરિપત્ર પાઠવવામાં આવ્યા અને ત્યાર બાદ મનપાએ શ્ર્વાન પીડિતોની ફરિયાદ લેવાનુ શરૂ કર્યુ હતું.જેમા રાત્રિના જોર જોરથી ભસીને લોકોની ઉંઘ ખરાબ કરતા તેમજ લોકોની પાછળ દોડતા કુતરાઓ અંગેની ફરિયાદો લેવામાં નથી આવતી તેવી ફરિયાદો ઉઠવા પામી છે.
ફરિયાદ ઉઠવાની સાથોસાથ કુતરુ કરડ્યુ હોય ત્યારે સારવાર કેસ પેપર સાથે ફરિયાદ આવે તો આ કુતરાને જપ્ત કરી 15 દિવસ બાદ ફરી એજ વિસ્તારમાં છુટુ મુકવામાં આવી રહ્યુ છે. ઠંડી વધવાની સાથોસાથ કુતરા કરડવાના બનાવોમાં પણ ભારે વધારે થયો હોવાનુ લોકો જણાવી રહ્યા છે. આ કાર્યવાહીમાં જીવદેયા પ્રેમીઓએ પણ કુતરાઓ ઉપર થતા અત્યાચારો રોકવાનુ તંત્ર ઉપર દબાણ કરતા પ્રાણી વિભાગના અધિકારીઓ મુઝવણમાં મુકાઇ ગયા છે અને અમુક કર્મચારીઓના જણાવ્યા મુજબ કુતરા પકડીયે તો પણ વાંધો અને ના પકડીયે તો પણ વાંધો તેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકો રાત્રે ફોન કરીને હેરાન કરી રહ્યા છે : તંત્ર
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મનપા દ્વારા કુતરાના ત્રાસ અંગેની ફરિયાદો લેવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ મનપાના પ્રાણી વિભાગના અમુક અધિકારીઓ તથા કર્મચારીઓના જણાવ્યા મુજબ લોકો સિર્વિક સેન્ટરના બદલે અમારા નંબર ગમે ત્યાથી મેળવી રાત્રીના સુતા હોયે ત્યારે પણ કુતરાના ત્રાસ અંગેની ફરિયાદો કરવા લાગ્યા છે જેના લીધે હવે ન ઘરના કે ઘાટના જેવી સ્થિતિ ઉભી થઇ છે.