બે મહિનામાં જામીન અરજીઓનો નિકાલ કરો: સુપ્રીમ કોર્ટનો આદેશ
વ્યક્તિગત સ્વાતંત્ર્ય સંબંધી આવી અરજીઓ વર્ષો સુધી પેન્ડિંગ રાખવા સામે નારાજગી
ભારતની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક આદેશ જારી કર્યો છે. કોર્ટે દેશભરની તમામ હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટને બે મહિનાની અંદર જામીન અને આગોતરા જામીન અરજીઓનો નિકાલ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંબંધિત આવી અરજીઓને વર્ષો સુધી પેન્ડિંગ રાખી શકાય નહીં.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે અવલોકન કર્યું કે, વ્યક્તિગત સ્વતંત્રતા સંબંધિત અરજીઓ વર્ષો સુધી પેન્ડિંગ રાખી શકાતી નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે લાંબો વિલંબ માત્ર ફોજદારી કાયદાના ઉદ્દેશ્યને જ નિરાશ કરતો નથી, પરંતુ બંધારણની કલમ 14 અને 21 માં પ્રતિબિંબિત ન્યાયની બંધારણીય નીતિઓથી પણ વિરુદ્ધ છે. કોર્ટે આ પ્રથાને પન્યાયનો ઇનકારથ ગણાવી હતી. આ ચુકાદા દ્વારા, કોર્ટે ન્યાયિક પ્રણાલીમાં વિલંબના ગંભીર મુદ્દાને સીધો સંબોધ્યો છે, જે અરજદારોને લાંબા સમય સુધી અનિશ્ચિતતામાં રાખે છે.
કોર્ટે મહારાષ્ટ્રના એક ચોક્કસ કેસનો ઉલ્લેખ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, જ્યાં એક આગોતરા જામીન અરજી 6 વર્ષ સુધી (2019 થી 2025) હાઈકોર્ટમાં પેન્ડિંગ રહી હતી. કોર્ટે કહ્યું, અમે આ પ્રથાને નાપસંદ કરીએ છીએ. આ ઉદાહરણ દર્શાવે છે કે ન્યાયમાં થઈ રહેલા વિલંબનો મુદ્દો કેટલો ગંભીર છે અને તાત્કાલિક સુધારાની જરૂૂરિયાત છે.