મણિપુર ભાજપ ધારાસભ્યોને દિલ્હીનું તેડું: રાષ્ટ્રપતિ શાસન ખતમ થશે
હિંસાગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ હવે નવી સરકારની રચના અંગે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેન્દ્રીય નેતૃત્વએ આગામી રવિવારે, 14 ડિસેમ્બરે, મણિપુરના તમામ પક્ષના ધારાસભ્યોને નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યમાં સરકારની રચનાની શક્યતાઓ પર ચર્ચા કરવાનો અને અંતિમ નિર્ણય લેવાનો રહેશે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે 86મા નુપી લાલ દિવસ કાર્યક્રમ દરમિયાન આ બેઠકની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ રાજ્યના દરેક ભાજપ ધારાસભ્યને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
જોકે તેમણે ઔપચારિક એજન્ડાની જાણ ન હોવાનું કહ્યું, પરંતુ સ્પષ્ટ કર્યું કે ચર્ચાઓ સરકાર રચના પર કેન્દ્રિત થવાની સંભાવના છે. મણિપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. ગયા મહિને, 26 ભાજપ ધારાસભ્યોએ કેન્દ્રીય નેતાગીરીને મળીને રાજ્યમાં "લોકપ્રિય સરકાર" સ્થાપવાની માંગ કરી હતી, જેથી રાજ્યના અસ્થિરતાનો અંત આવે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિરેનસિંહે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યમાં સ્થિર સરકારની તાત્કાલિક જરૂૂર છે, ખાસ કરીને હિંસાગ્રસ્ત રાહત શિબિરોમાં રહેતા આંતરિક રીતે વિસ્થાપિત લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે. તેમણે કહ્યું કે વિસ્થાપિત પરિવારો અને રાજ્યના અન્ય મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા ત્યારે જ આપી શકાય જ્યારે રાજ્યમાં લોકપ્રિય સરકારની રચના થાય. રવિવારની આ બેઠક મણિપુરના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે ભાજપ ધારાસભ્યો એકતા દ્વારા સત્તામાં પાછા ફરવાની તૈયારી વ્યક્ત કરી ચૂક્યા છે.