દિલ્હી જતાં એર ઇન્ડિયાના વિમાનનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, સાંસદ સહિત 100 પ્રવાસીઓ હતા સવાર
તિરુવનંતપુરમથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું રવિવારે રાત્રે ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સે આ માટે ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણ ગણાવ્યું હતું. ફ્લાઇટ બે કલાક સુધી હવામાં લહેરાતી રહી. આ ફ્લાઇટમાં પાંચ સાંસદો પણ હાજર હતા. કેસી વેણુગોપાલ, કોડિક્કુનીલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન અને રોબર્ટ બ્રુસ આ ફ્લાઇટ દ્વારા દિલ્હી જઈ રહ્યા હતા.
એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "10 ઓગસ્ટના રોજ તિરુવનંતપુરમથી દિલ્હી જનાર AI2455ના ક્રૂએ શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા અને ખરાબ હવામાનને કારણે સાવચેતી તરીકે વિમાનને ચેન્નાઈ ડાયવર્ટ કર્યું હતું."
https://x.com/kcvenugopalmp/status/1954611946663383238
આ ઘટના અંગે, કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી અને તેને ભયાનક ઘટના ગણાવી. સાંસદ કેસી વેણુગોપાલે પોસ્ટમાં લખ્યું,'તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2455, જેમાં હું, ઘણા સાંસદો અને સેંકડો મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, આજે આ ફ્લાઇટ અકસ્માતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. ફ્લાઇટ શરૂઆતમાં થોડી લેટ હતી. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, જોરદાર આંચકા (ટર્બ્યુલન્સ) આવ્યા. લગભગ એક કલાક પછી, કેપ્ટને જાણ કરી કે ફ્લાઇટમાં સિગ્નલ સમસ્યા છે અને તેને ચેન્નાઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. અમે લગભગ બે કલાક સુધી ચેન્નાઈ એરપોર્ટ ઉપર ચક્કર લગાવતા રહ્યા. લેન્ડિંગના પહેલા પ્રયાસમાં એક ભયાનક ક્ષણ આવી, જ્યારે ખબર પડી કે રનવે પર બીજું વિમાન છે. કેપ્ટને તરત જ વિમાન હવામાં પાછું ખેંચી લીધું, જેનાથી બધાના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ. પાઇલટની સમજણનાં કારણે અમે બચી ગયા. મુસાફરોની સલામતી ભાગ્ય પર છોડી શકાતી નથી. હું DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવા, જવાબદારી નક્કી કરવા અને ખાતરી કરવા વિનંતી કરું છું કે આવી ભૂલ ફરી ક્યારેય ન થાય.

એર ઇન્ડિયાએ કેસી વેણુગોપાલની એક્સ પરની પોસ્ટના જવાબમાં લખ્યું - અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ફ્લાઇટને ચેન્નાઈ તરફ વાળવાનો નિર્ણય સાવચેતી તરીકે લેવામાં આવ્યો હતો. કારણ કે વિમાનમાં ટેકનિકલ સમસ્યા હતી અને ખરાબ હવામાન હતું. ચેન્નાઈ એરપોર્ટ પર પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન, ચેન્નાઈ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ ગો-અરાઉન્ડની સૂચના આપી હતી. આ કોઈ અન્ય વિમાન રનવે પર હોવાને કારણે નહોતું.