યુપીના સંભલમાં મસ્જિદના સરવે બાદ હિંસામાં મૃત્યુઆંક ચાર થયો
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન હિંસા બાદ ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે ધોરણ 12 સુધીની શાળાઓ પણ બંધ છે. પોલીસે બદમાશોની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવા માટે આખી રાત દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં એક મહિલા સહિત 21 લોકોની અટકાયત કરવામાં આવી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 30 પોલીસ સ્ટેશનોની પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ બદમાશો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અગમચેતીના પગલા રૂપે આગામી તા.30 સુધી બહારના લોકોને સંભલ ક્ષેત્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મુરાદાબાદ રેન્જના ડીઆઈજી મુનિરાજે કહ્યું કે આ હિંસામાં 21 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી બે મહિલાઓ છે. જેની સામે પુરાવા મળશે તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રવિવારે થયેલી હિંસામાં ચાર લોકો માર્યા ગયા અને 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા, જેમાં ચાર વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
ડીઆઈજીના જણાવ્યા અનુસાર, પોલીસે બદમાશોને પકડવા માટે આખી રાત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અલગ-અલગ જગ્યાએથી કેટલાક ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતુસ પણ મળી આવ્યા છે.
હિંસા અંગે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંભલમાં પોલીસ ગોળીબારના કારણે 4 યુવાનોના મોત થયાનો આક્ષેપ કરતી એક ખાનગી સંસ્થા દ્વારા આયોગને વીડિયો પણ મોકલવામાં આવ્યો છે.
સંભલમાં ગતમંગળવારથી જ તણાવની સ્થિતિ છે. હકીકતમાં, સ્થાનિક કોર્ટે એક અરજી પર જામા મસ્જિદની અંદર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ જામા મસ્જિદ હરિહર મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. આ પછી, રવિવારે પ્રદર્શનકારીઓએ વાહનોને આગ લગાવી અને પોલીસ પર પથ્થરમારો કર્યો. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીનો ઉપયોગ કર્યો હતો.