CPI(M) નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું દિલ્હી AIIMSમાં નિધન થયું છે. તેમની ઉંમર 72 વર્ષની હતી. તેઓ થોડા દિવસોથી AIIMSમાં દાખલ હતા. AIIMS તરફથી મળેલી માહિતી અનુસાર, યેચુરી એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શનથી પીડિત હતા. આ કારણે તેમને ન્યુમોનિયા થયો હતો. યેચુરીને તાવની ફરિયાદ બાદ 19 ઓગસ્ટે AIIMSના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની હાલત કેટલાક દિવસોથી નાજુક હતી. ન્યુમોનિયાના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સીતારામ યેચુરીનો જન્મ 1952માં મદ્રાસ (ચેન્નઈ)માં તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સર્વેશ્વર સોમયાજુલા યેચુરી આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં એન્જિનિયર હતા. માતા કલ્પકમ યેચુરી સરકારી અધિકારી હતા. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં બીએ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી એમએ કર્યું. સીતારામ યેચુરી 1975માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સભ્ય બન્યા.
1975માં જ્યારે યેચુરી જેએનયુમાં ભણતા હતા ત્યારે ઈમરજન્સી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ કોલેજથી જ રાજકારણમાં આવ્યા હતા. તેઓ ત્રણ વખત JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. યેચુરી તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નિવાસસ્થાનની બહાર પેમ્ફલેટ વાંચવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.
સીતારામ યેચુરી ભૂતપૂર્વ મહાસચિવ હરકિશન સિંહ સુરજીતના જોડાણ-નિર્માણ વારસાને ચાલુ રાખવા માટે જાણીતા છે. 1996માં, તેમણે યુનાઈટેડ ફ્રન્ટ સરકાર માટે કોમન મિનિમમ પ્રોગ્રામનો મુદ્દો તૈયાર કરવા માટે પી. ચિદમ્બરમ સાથે સહયોગ કર્યો. 2004માં યુપીએ સરકારની રચના વખતે પણ તેમણે ગઠબંધનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.