અદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયો
અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દા પર આજે સંસદમાં ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના સાંસદોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપના સભ્યોને ત્રિરંગો અને ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું.
આ દરમિયાન રાજનાથ સિંહ સંસદ જવા માટે તેમની કારમાંથી બહાર નીકળ્યા કે તરત જ રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ તેમની પાસે પહોંચ્યા. તેમણે રાજનાથ સિંહને ગુલાબના ફૂલ અને ત્રિરંગો અર્પણ કર્યો હતો. જો કે રક્ષા મંત્રીએ ભેટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કેટલાક અન્ય પક્ષોના સાંસદો સંસદભવનના 'મકર ગેટ' પાસે એકઠા થયા હતા, તેઓએ ત્રિરંગો અને ગુલાબના ફૂલ પકડીને પક્ષોના સાંસદોને ત્રિરંગો અને ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું અને કહ્યું હતું કે 'દેશને વેચવા ન દો'. આ વિરોધમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભાગ લીધો હતો. મંગળવારે વિપક્ષી સાંસદોએ વાદળી બેગ સાથે વિરોધ કર્યો હતો.
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી અને કંપનીના અન્ય અધિકારીઓને લાંચ અને છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવ્યા પછી, કોંગ્રેસ અને અન્ય કેટલાક વિરોધ પક્ષો આરોપોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની માંગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં આ મામલે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.