પહેલગામના આતંકીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માગી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયુ છે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના પગલે ભારતીય લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા ઓપરેશન સિંદૂર અંગે સંસદમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. આ ચર્ચા પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કરેલા સવાલે કોંગ્રેસની માનસિકતા ફરી એક વાર છતી કરી દીધી છે. ચિદમ્બરમે સવાલ કર્યો છે કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા એવું કઈ રીતે કહી શકાય?
ઓપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચાના થોડા કલાકો પહેલાં જ ચિદમ્બરમે દાવો કર્યો કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ જણાવવા તૈયાર નથી કે અત્યાર સુધીમાં તેમણે શું કર્યું છે. એનઆઈએ એ આતંકવાદીઓની ઓળખ કરી લીધી શુક્યું હોય કે પછી આતંકવાદી ક્યાંથી આવ્યા હતા તેની વિગતો જાહેર કરી નથી એ જોતાં આતંકવાદીઓ ભારતના જ હોય એ શક્ય છે. આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા એવું માની લેવું ભૂલભરેલું છે કેમ કે આતંકી પાકિસ્તાની હતા તેનો કોઈ પુરાવો નથી.
ચિદમ્બરમે જે કહ્યું એ શબ્દશ: મીડિયામાં આવ્યું છે અને ચિદમ્બરમનું નિવેદન આઘાતજનક છે કેમ કે આડકતરી રીતે ચિદમ્બરમ પહલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનને ક્લીન ચિટ આપી રહ્યા છે અને પહલગામના આતંકવાદી હુમલા માટે ભારતનાં જ લોકો જવાબદાર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. એક રીતે ચિદમ્બરમ પહલગામ હુમલા અંગે મોદી સરકારે કરેલા દાવાઓને ખોટા ગણાવી રહ્યા છે અને મોઘમ રીતે એવું કહી રહ્યા છે કે, પહલગામ હુમલાનું કારસ્તાન મોદી સરકારનું જ ષડયંત્ર છે અને સરકાર હવે પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી રહી છે. પહલગામમાં હુમલો કરનારા આતંકવાદી હજુ સુધી ઝડપાયા નથી તેથી આતંકવાદીઓની ઓળખ છતી નથી થઈ એ વાત સાચી છે. આ સંજોગોમાં આતંકવાદીઓ પાકિસ્તાની ના હોય એવું બને પણ સવાલ આતંવાદીઓ ક્યા દેશના નાગરિક છે કે ક્યાં રહે છે એ મહત્ત્વનું નથી ને તેનાથી કોઈ ફરક પણ નથી પડતો. આ હુમલો કોણે કરાવ્યો એ મહત્ત્વનું છે.
હુમલો કરનારા જમ્મુ અને કાશ્મીરના હોય તો ટેકનિકલી પાકિસ્તાની ના કહેવાય પણ પાકિસ્તાનના ઈશારે હુમલો કર્યો તેનો મતલબ આ હુમલો પાકિસ્તાને જ કરાવ્યો છે. કોંગ્રેસના નેતા માત્ર નિવેદનબાજી કર્યા કરે છે, તેના સિવાય કશું કરતા નથી. આ દેશના મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસે ગંભીરતાથી વર્તવું જોઈએ અને માત્ર નિવેદનબાજી કરીને દરેક મુદ્દે સરકાર સામે શંકાઓ કરીને સવાલો કરવાના બદલે નક્કર વાતો કરવી જોઈએ.