જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના વિંગ કમાન્ડર સામે દુષ્કર્મની ફરિયાદ
જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં એરફોર્સ સ્ટેશનના વિંગ કમાન્ડર વિરુદ્ધ મહિલા ફ્લાઈંગ ઓફિસરનો માનસિક ત્રાસ, પીછો કરવા અને જાતીય સતામણીનો કેસ નોંધીને કાર્યવાહી શરૂૂ કરી છે. આ કેસની તપાસ માટે ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આરોપી વિંગ કમાન્ડર વિરુદ્ધ બડગામ પોલીસ સ્ટેશનમાં કલમ 376 (2) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રીનગરના એરફોર્સ સ્ટેશન પર તૈનાત એક મહિલા ફ્લાઈંગ ઓફિસરે બડગામ પોલીસ સ્ટેશનમાં વિંગ કમાન્ડર પર જાતીય સતામણી અને ટોર્ચરનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે 31 ડિસેમ્બર 2023ની રાત્રે ઓફિસર્સ મેસમાં નવા વર્ષના આગમનની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન વિંગ કમાન્ડરે તેને નવા વર્ષ નિમિત્તે ગિફ્ટ આપવા માટે પોતાના રૂૂમમાં બોલાવી હતી. વિંગ કમાન્ડરે તેના રૂૂમમાં તેનું યૌન શોષણ કર્યું. તેણે આ વાતનો વિરોધ કર્યો અને રૂૂમની બહાર જવા દેવાની વિનંતી પણ કરી. આમ છતાં વિંગ કમાન્ડરે તેની જાતીય સતામણી કરી. પીડિતાએ પોતાની ફરિયાદમાં 31 ડિસેમ્બર 2023ની રાતથી તેની સાથે બનેલી તમામ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.
મહિલાનો આરોપ છે કે તેને સતત હેરાન કરવામાં આવી રહ્યો છે. પીડિતાએ વિંગ કમાન્ડર સામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી. ઘટનાની જાણ કર્યા બાદ પણ તેની મેડિકલ તપાસમાં વિલંબ થયો હતો અને અન્ય ઔપચારિકતાઓ પણ જાણી જોઈને ટાળવામાં આવી હતી. આ ઉપરાંત આ મામલાની તપાસ માટે રચાયેલી સમિતિનું વર્તન પણ પક્ષપાતી રહ્યું છે.