ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર
ખ્રિસ્તી ધર્મના વડા પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. તેમનું ૮૮ વર્ષની વયે અવસાન થયું. તે ઘણા સમયથી બીમાર હતાં. ફ્રાન્સિસને તાજેતરમાં ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચાર વેટિકન સિટીથી આપવામાં આવ્યા છે. એક દિવસ પહેલા જ તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મળ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર પછી, વિશ્વભરના ૧.૪ અબજ કેથોલિકો શોકમાં ડૂબી ગયા છે.
થોલિક ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને ફેફસાના ઇન્ફેક્શનને કારણે 5 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 14 ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. જોકે પછી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
કોણ છે પોપ ફ્રાન્સિસ?
પોપનો જન્મ 17 ડિસેમ્બર, 1936 ના રોજ આર્જેન્ટિનાના ફ્લોરેસ શહેરમાં થયો હતો. પોપ બનતા પહેલા તેઓ જોર્જ મારિયો બર્ગોગ્લિયોના નામથી જાણીતા હતા. પોપે તેમના જીવનનો મોટાભાગનો સમય આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં વિતાવ્યો હતો.
1000 વર્ષમાં પોપ બનનારા પ્રથમ બિન-યુરોપિયન પોપ ફ્રાન્સિસ એક આર્જેન્ટિનાના જેસુઈટ પાદરી હતા જે 2013માં રોમન કેથોલિક ચર્ચના 266 મા પોપ બન્યા. તેમને પોપ બેનેડિક્ટ સોળમાના અનુગામી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ 1,000 વર્ષમાં કેથોલિક ધર્મમાં સર્વોચ્ચ પદ પર પહોંચનારા પ્રથમ બિન-યુરોપિયન હતા.