2030 સુધીમાં સ્તન કેન્સર નિર્મૂળ થશે: રસી તૈયાર
સ્તન કેન્સરનો અંત ખૂબ નજીક છે. વૈજ્ઞાનિકોએ આ માટે એક રસી તૈયાર કરી છે, જેનો પહેલો ક્લિનિકલ ટ્રાયલ ખૂબ જ સફળ રહ્યો છે. આ રસી સ્તન કેન્સરને અટકાવવાની સાથે સાથે તેની સારવાર પણ કરશે. ખાસ વાત એ છે કે આ રસી તૈયાર કરવામાં દેશી વૈજ્ઞાનિક ડો. અમિત કુમારનો મોટો ફાળો છે. સ્ત્રીઓમાં સ્તન કેન્સરના સૌથી વધુ કેસ નોંધાય છે. સ્તન કેન્સરને કારણે થતા આ મૃત્યુમાંથી મોટાભાગના ભારતમાં થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ 98 હજાર મહિલાઓ સ્તન કેન્સરથી મૃત્યુ પામે છે, જ્યારે વિશ્વભરમાં સ્તન કેન્સરથી થતા મૃત્યુની સંખ્યા 6.70 લાખ છે.
ન્યૂ યોર્ક પોસ્ટના સમાચાર અનુસાર, આ રસીના પરીક્ષણનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે જેમાં 75 ટકાથી વધુ સ્ત્રીઓમાં સ્તન કેન્સર સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ જોવા મળી છે. આ રસી સ્તન કેન્સરને રોકવા અને સારવાર બંને માટે બનાવવામાં આવી રહી છે. સ્તન કેન્સર દર 8 મહિલામાંથી એકને અસર કરે છે. એનિક્સા બાયોસાયન્સના સીઈઓ ડો. અમિત કુમારે જણાવ્યું હતું કે આ ખૂબ જ પ્રોત્સાહક બાબત છે.
આ રસી એનિક્સા બાયોસાયન્સ અને ક્લેવલેન્ડ ક્લિનિક દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં, 35 મહિલાઓને રસી આપવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની મહિલાઓને ટ્રિપલ નેગેટિવ સ્તન કેન્સર હતું. આ સ્તન કેન્સરનું સૌથી ઘાતક સ્વરૂૂપ છે. આ પ્રકારના કેન્સરને કારણે, એન્જેલીના જોલીએ 37 વર્ષની ઉંમરે તેના બંને સ્તનો પર સર્જરી કરાવી હતી.