પાક. સામે પગલાંની બ્લૂપ્રિન્ટ: કાલે મોદીની ત્રણ બેઠક
કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક, રાજકીય બાબતોની સમિતિ અને ઇકોનોમિક કમિટી મળશે
પહલગામ હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ત્રણ મહત્ત્વની બેઠકો યોજાશે. આ બેઠકોમાં પાકિસ્તાન વિરૂૂદ્ધ વધુ કડક પગલાં લેવાઈ શકે છે. જેની બ્લૂપ્રિન્ટ તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બુધવારે સવારે 11 વાગ્યે સૌથી પહેલા કેબિનેટ સુરક્ષા કમિટીની બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સીસીએસની બેઠક યોજાશે. આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. પહલગામ હુમલા બાદ આ બીજી સીસીએસ બેઠક યોજાશે.
CCS બાદ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સીસીપીએ- રાજકીય બાબતોની કેબિનેટ કમિટી (કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ)ની બેઠક થશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી જિતનરામ માંઝી, સર્વાનંદ સોનેવાલ, રાજમોહન નાયડૂ સહિતના અન્ય સભ્ય સામેલ થશે.
CCPA બાદ પીએમ મોદી ઈકોનોમિક અફેર્સ કમિટીની પણ બેઠકમાં પણ સામેલ થશે અને અંતે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારની આ બીજી ઈઈજ બેઠક યોજાવવા જઈ રહી છે. જેમાં સુરક્ષા તૈયારીઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર સુરક્ષા એજન્સીઓ પાસેથી વિગતવાર અને વિસ્તૃત માહિતી લઈ રહી છે. રાજકીય બાબતો પર પણ ચર્ચાવિચારણા થશે. તેમજ સિંધુ જળ સંધિ પર રોક મામલે કેવી રીતે આગળ વધવું તેના પણ નિર્ણયો લેવાશે. ગઈકાલે પણ રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તે પહેલાં તેમણે આર્મી ચીફ સાથે મુલાકાત કરી કામગીરીની માહિતી મેળવી હતી. બેઠક સાથે સંબંધિત તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. આ આતંકી હુમલાની તપાસ એનઆઈએ કરી રહી છે.