વકફ બિલનું સમર્થન કરનાર ભાજપ નેતાના ઘરને આગ ચાંપી દેવાઈ
ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મણિપુર એકમના પ્રમુખ અસ્કર અલીના ઘરને રવિવારે રાત્રે ટોળાએ આગ લગાવી દીધી હતી. કારણ કે તેણે વકફ એમેન્ડમેન્ટ એક્ટનું સમર્થન કર્યું હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના થૌબલ જિલ્લાના લિલોંગમાં બની હતી. અલીએ શનિવારે સોશિયલ મીડિયા પર આ કાયદા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુસ્સે ભરાયેલા ટોળાએ રાત્રે લગભગ 9 વાગે તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા, તોડફોડ કરી હતી અને બાદમાં ઘરને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ અલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પોતાના અગાઉના નિવેદન માટે માફી માંગી હતી. તેમણે આ કાયદા સામે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.દિવસની શરૂૂઆતમાં, વકફ સુધારા કાયદા વિરુદ્ધ ઇમ્ફાલ ખીણના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. લીલોંગમાં નેશનલ હાઈવે-102 પર ટ્રાફિકને ખોરવીને પાંચ હજારથી વધુ લોકોએ રેલીમાં ભાગ લીધો હતો.