માર્ચના પહેલા દિવસે જ મોંઘવારીનો મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો લેટેસ્ટ રેટ
દેશની રાજધાનીથી લઈને દક્ષિણ ભારતના સૌથી મોટા મહાનગર ચેન્નાઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. વાસ્તવમાં દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. બે મહિના બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ વધારો માત્ર 6 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડર છે. તેનાથી વિપરીત, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત લગભગ એક વર્ષથી યથાવત છે. 9 માર્ચે હોળી પહેલા સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. માર્ચ મહિનામાં ફરી હોળીનો તહેવાર આવવાનો છે. શક્ય છે કે સરકાર આ વખતે પણ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી શકે છે.
જોકે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના માર્ચ મહિનાનો પ્રાઈઝ ટ્રેન્ડ જોવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષોમાં 1 માર્ચે થનાર આ સૌથી ઓછો વધારો છે. ઈન્ડિયન ઓઈલના પોર્ટલ પર જાહેર આંકડા મુજબ માર્ચ મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સૌથી વધુ વધારો 2023માં કરાયો હતો જ્યારે એક જ ઝાટકે પ્રતિ સિલિન્ડર 352 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે બજેટના દિવસે એલપજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાની નજીવી રાહત અપાઈ હતી. ત્યારે પણ ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર પર જ રાહત અપાઈ હતી. જ્યારે રાંધણ ગેસ એટલે કે 14 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં છેલ્લે 1 ઓગસ્ટ 2024થી અત્યાર સુધી કોઈ ફેરફાર કરાયા નથી.