ઈન્દિરા ગાંધી માટે પ્લેન હાઈજેક કરનાર ભોલા પાંડેનું નિધન
ઈન્દિરા ગાંધી માટે ક્રિકેટ બોલથી વિમાન હાઈજેક કરનાર ભોલા પાંડેનું નિધન થઇ ગયું. હાઇજેકની આ ઘટના પછી તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા હતા અને ઈન્દિરા ગાંધીના ખાસ નજીકના વ્યક્તિ બની ગયા હતા. ત્યારપછી ત્રણ દાયકા સુધી કોંગ્રેસની રાજનીતિમાં ખાસ નેતા બની ગયેલા ડો.ભોલાનાથ પાંડેનું શુક્રવારે લખનઉમાં તેમના નિવાસસ્થાને નિધન થયું.
ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સમયથી ગાંધી પરિવારના ખૂબ જ નજીક રહેલા ભોલા પાંડે 1980 થી 1985 અને 1989 થી 1991 દરમિયાન બે વાર દ્વાબા (હાલ બૈરિયા) ના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હતા. ત્યારે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 19 ડિસેમ્બર 1978ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ વિશે માહિતી મળતા, 21 વર્ષીય ડો. ભોલા પાંડે અને તેમના અન્ય સાથી દેવેન્દ્ર પાંડેએ 20 ડિસેમ્બર 1978ના રોજ બોઇંગ 737 વિમાનને હાઇજેક કર્યું હતું.
મજાની વાત એ છે કે ભોલાનાથએ ક્રિકેટના બોલને રૂૂમાલમાં લપેટીને બોમ્બ કહીને લખનૌથી દિલ્હીની ફ્લાઈટને વારાણસીમાં ઉતારી હતી. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે ઈન્દિરા ગાંધીને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. આ ઘટનાએ ડો. ભોલા પાંડેને એક ક્ષણમાં જ વિશ્વમાં એક પ્રખ્યાત ચહેરો બનાવી દીધો.