For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અડવાણીને ભારતરત્ન: દેર આયે, દુરસ્ત આયે

12:43 PM Feb 05, 2024 IST | Bhumika
અડવાણીને ભારતરત્ન  દેર આયે  દુરસ્ત આયે

નરેન્દ્ર મોદી આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે ને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની વયે ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરીને નરેન્દ્ર મોદીએ વધુ એક આશ્ર્ચર્ય સર્જી દીધું. હજુ દસેક દિવસ પહેલાં જ એટલે કે 23 જાન્યુઆરીએ મોદી સરકારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરી હતી. ભારતરત્ન સહિતના એવોર્ડ આપવાનો નિર્ણય ભારત સરકાર લેતી હોય છે ને જાહેરાત રાષ્ટ્રપતિભવન દ્વારા કરાતી હોય છે તેથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 24 જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતીના એક દિવસ પહેલાં તેમને ભારતરત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરી હતી. 10 દિવસ પહેલાં કોઈને ભારતરત્ન આપવાની જાહેરાત કરાઈ હોય પછી તરત જ બીજા મહાનુભાવને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાશે એવી કોઈને આશા ના હોય તેથી અડવાણીને ભારતરત્ન મળશે એવી આશા નહોતી પણ નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપીને સૌને આશ્ર્ચર્યમાં મૂકી દીધા. અલબત્ત, કર્પૂરી ઠાકુર કરતાં અડવાણી વધારે લાયક છે જ. કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા. પછાત વર્ગોનાં મસિહા ગણાતા હોવાથી બિહારમાં રાજકીય ફાયદા માટે ઠાકુરને ભારતરત્ન અપાયો છે, બાકી ઠાકુર રાષ્ટ્રીય કક્ષાના નેતા જ નથી. તેની સામે અડવાણી તો ભાજપના સંવર્ધક છે, ભાજપને દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ બનાવનારા ધૂરંધર છે એ જોતાં તેમને ભારતરત્ન મળે તેમાં કશું ખોટું નથી. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભાજપની વિચારધારાને વરેલા ત્રીજા મહાનુભાવને ભારતરત્ન અપાયો છે. આ પહેલાં મોદી સરકારે 2015માં અટલ બિહારી વાજપેયીને ભારતરત્નથી નવાજ્યા હતા, જ્યારે નાનાજી દેશમુખને 2019માં ભારતરત્ન અપાયો હતો. નાનાજી દેશમુખ ભાજપ જનસંઘ હતો ત્યારે તેના વિકાસ માટે મથનારા નેતા હતા. દેશમુખનું સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ મોટું નામ છે. વાજપેયી અને દેશમુખ બંને એ રીતે ભારતરત્ન અપાયો એ યોગ્ય જ હતું ને અડવાણીને પણ ભારતરત્ન અપાયો એ પણ યોગ્ય છે પણ અડવાણી અને મોદીના સંબંધો જોતાં અડવાણીને કશું મળે એવી આશા નહોતી ત્યારે અચાનક જ ભારતરત્ન આપી દેવાયો તેના કારણે પણ આશ્ર્ચર્ય સર્જાયું છે. અડવાણી અને મોદી એક સમયે અત્યંત નજીક હતા પણ બંનેને વડા પ્રધાનપદની લાલસા તેથી ખટરાગ થયો. એક જમાનામાં અડવાણી ને મોદી હમ સાથ સાથ હૈ ગાતા પણ મોદીની વડા પ્રધાનપદની મહત્વાકાંક્ષા સળવળી પછી બંને સામસામે આવી ગયા. મોદીએ ગુજરાતમાં ભાજપને સતત ત્રણ ટર્મ લગી જીત અપાવી તેના કારણે એ વડા પ્રધાનપદના ઉમેદવાર બનવા લાયક હતા જ પણ અડવાણીને આ વાત માફક નહોતી આવી. તેમણે મોદીનું પત્તુ કાપવા માટે થઈ શકે એ બધા ધમપછાડા કરી જોયેલા પણ ફાવ્યા નહીં.

Advertisement

મોદી ભાજપને જીતાડીને વડા પ્રધાનપદની ગાદી પર બેઠા પછી અડવાણીને રાજકીય રીતે સાવ પતાવી જ દીધા ને અડવાણીને કશું પણ આપવાના બદલે માર્ગદર્શક મંડળમાં બેસાડીને સાવ વખારમાં નાખી દીધા હતા એ જોતાં મોદી પાસેથી અડવાણીને કશું મળે એવી ધારણા નહોતી રખાતી. મોદીએ આ ધારણાને ખોટી પાડીને અડવાણીને ભારતરત્ન આપીને ઉદારતા બતાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement