દિલ્હીમાં પત્ની, સાસરિયાના ત્રાસથી કંટાળી બેકરી માલીકની આત્મહત્યા: બેંગાલુરૂની જેમ વીડિયોમાં કારણો આપ્યા
34 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા બાદ ઉત્તર દિલ્હીના મોડલ ટાઉનમાં બેકરીના માલિક પુનીત ખુરાનાની આત્મહત્યાએ બધાને ચોંકાવી મૂક્યાં છે. પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેનાર પુનીતના પરિવારનો આરોપ છે કે તેની પત્ની અને તેના સાસરિયાઓ પુનીતને ત્રાસ આપતા હતા અને ટોણા મારતા હતા કે તારામાં તાકાત હોય તો આપઘાત કરીને મરી જા.
પુનિતને આ લાગી આવ્યું હતું અને તેથી તેણે આપઘાત કર્યો હતો. પરિવારજનોએ એવો પણ દાવો કર્યો હતો કે પુનીતની પત્ની બેકરીના ધંધામાં પોતાનો હિસ્સો માંગતી હતી, જેના કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું હતું. પુનીત તેની પત્ની મનિકા પાહવાથી નારાજ હતો. બંનેએ 2016માં લગ્ન કર્યા હતા. આ દંપતી ફોર ગોડસ કેક બેકરીના સહ-માલિકો પણ હતા. પુનીતની બહેને બુધવારે જણાવ્યું હતું કે મણિકા પાહવાના માતા-પિતા અને તેની બહેને મારા ભાઈ પુનીત પર દબાણ કર્યું, તેને તણાવમાં મૂક્યો, તેઓ બન્ને ઉશ્કેરતાં હતા કે તારામાં તાકાત હોય તો આપઘાત કરીને દેખાડ.
પરિવારના સભ્યોનું કહેવું છે કે આ પગલું ભરતા પહેલા પુનીતે તેના ફોનમાં લગભગ 54-55 મિનિટનો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે આત્મહત્યા પાછળના કારણોનો ખુલાસો કર્યો હતો. આ ફોન પોલીસે જપ્ત કરી લીધો છે. તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પરિવારનો એવો પણ આરોપ છે કે પોલીસ તેમની સાથે વીડિયો શેર કરી રહી નથી. પોલીસે પુનીતનો ફોન કબજે કરી લીધો છે અને તેની પત્નીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. હાલ પોલીસ આરોપોની તપાસ કરી રહી છે. ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પુનીતે લીધેલા આ પગલાથી પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ પરિવારના સભ્યોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે.
પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.પુનીત ખુરાનાએ દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારના કલ્યાણ વિહારમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના જણાવ્યા મુજબ, મંગળવારે બપોરે લગભગ 1 વાગ્યે તેઓએ પુનીતના રૂૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે લાંબા સમય સુધી કોઈ હિલચાલ ન થતાં દરવાજો તૂટ્યો હતો. અંદર પંખાથી પનીતનો મૃતદેહ લટકતો હતો. પરિવારજનોએ જણાવ્યું કે પુનીતે તેની પત્ની સાથે છેલ્લીવાર ફોન પર વાત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ફોન પર બિઝનેસને લઈને વાતચીત થઈ હતી. પુનીત અને તેની પત્નીનો બેકરીનો ધંધો હતો, બંને તેમાં ભાગીદાર હતા. પુનીતના પરિવારનો આરોપ છે કે પત્નીએ કહ્યું હતું કે અમારો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે એટલે કે તું મને બિઝનેસથી અલગ કરી દેશે. પરિવારના જણાવ્યા અનુસાર પત્નીએ કોલ રેકોર્ડ કરીને એક સંબંધીને મોકલી આપ્યો હતો.