દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. દિલ્હીની 70 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. આ વખતે દિલ્હીની ચૂંટણીમાં કુલ 1.55 કરોડથી વધુ મતદારો હશે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે ત્રીજા લિંગની સંખ્યા 1,261 છે.
https://x.com/ANI/status/1876558211282801130
70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલાં નવા ગૃહની રચના માટે ચૂંટણી યોજાવાની છે. દિલ્હીમાં પરંપરાગત રીતે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાતી રહી છે.આ વખતે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે.
દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર આઠ બેઠકો ગઈ હતી. છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70માંથી એક પણ બેઠક પર સફળતા મળી નથી.