જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાએ ૩ આતંકીને કર્યા ઠાર, LOC નજીક ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
ભારતીય સેનાને ગઈ કાલે (14 જુલાઇ) એક મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી નજીક કેરન સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સેનાએ કેરન સેક્ટરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.આ દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોએ કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની નજીક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની ગતિવિધિઓ જોઈ. આ પછી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેનાએ મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે.
નોંધનિય છે કે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે. આ આતંકી હુમલા દક્ષિણ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન થયા હતા. 9 જૂને જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટે શપથ લીધા હતા આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. આ પછી બસ ખાઈમાં પડી જતાં 9 લોકોના મોત થયા હતા.જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. આતંકીઓએ સેનાની ચોકી પર તૈનાત જવાનો પર ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો.
ગયા અઠવાડિયે કુલગામમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે સુરક્ષા દળો સતત કાર્યવાહી કરી રહ્યા છે. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાને બે જગ્યાએ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી, સેના અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા. આ અથડામણમાં બે જવાન પણ શહીદ થયા હતા.