પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કાશ્મીરમાં આર્મી કેમ્પ પર હુમલો
આતંકવાદીઓના ગોળીબાર બાદ સેનાની જવાબી કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા આતંકવાદી ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહીં, બિલવાર વિસ્તારના ભટોડી અને મુઆર વિસ્તારમાં મોડી રાત્રે આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી. હાલમાં વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચાલુ છે.
ગઇકાલે બોર્ડર સિક્યુરિટી ફોર્સના એડિશનલ ડાયરેક્ટર જનરલ (એડીજી) સતીશ એસ. ખંડારેએ જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા સ્થિતિ અને સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન તેમણે ફિલ્ડ કમાન્ડરો સાથે ઓપરેશનલ પાસાઓ પર ચર્ચા કરી અને સૈનિકો સાથે વાતચીત કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના એલર્ટ મોડ પર છે. બે દિવસ પહેલા પુલવામા જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો અને હથિયારો અને દારૂૂગોળોનો જથ્થો જપ્ત કર્યો હતો.
શોધ દરમિયાન, સુરક્ષા દળોએ એક હેન્ડ ગ્રેનેડ, એક UBGL એક ઇલેક્ટ્રિક ડિટોનેટર, દસ API 7.62 રાઉન્ડ, એક પિસ્તોલ મેગેઝિન, એક પિસ્તોલ રાઉન્ડ, એક IED ટ્રિગરિંગ ડિવાઇસ અને અન્ય હથિયારો અને દારૂૂગોળો સાથે એક તૂટેલી મેગેઝિન મળી આવી હતી. પુંછ જિલ્લામાં બુધવારે સવારે સેનાએ એલઓસી (લાઇન ઓફ કંટ્રોલ) પારથી ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ ડ્રોન છેલ્લા કેટલાક સમયથી મેંઢર સેક્ટરમાં બોર્ડર પાસે ફરતું હતું.