ગામડાની સાધારણ દીકરીએ અસાધારણ સ્વપ્ન કર્યું સાકાર
ભારતીય સેનામાં ઉત્તર-પૂર્વ આર્મી સર્વિસ કોર્પ્સ બટાલિયનું નેતૃત્વ કરનાર હિમાચલ પ્રદેશની પ્રથમ મહિલા બની છે સપના રાણા
ગ્રામ્ય જીવન અને પડકારો વચ્ચે પોતાનો અલગ માર્ગ કંડાર્યો એટલું જ નહીં એ માર્ગ પર આત્મવિશ્વાસથી ચાલીને પોતાની મંઝિલ મેળવી છે સપના રાણાએ
ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામની દીકરી ગાય-ભેસ ચરાવવા જતી,ઘરનું કામ જાતે કરતી,આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી પૈસાની બચત માટે હરહંમેશ પ્રયત્ન કરતી. અન્ય છોકરીઓ જેવી સાધારણ જણાતી આ દીકરી અસાધારણ સફળતા મેળવવાની છે એ કોઈને ક્યાં ખબર હતી? દીકરીની અંદર આકાશમાં ઉડવાના બીજ રોપાયેલા છે એ કોઈને ક્યાં ખબર હતી? રોજબરોજના જીવનમાં પણ અનેક સંઘર્ષનો સામનો કરતા કરતા એક દિવસ એ ઓફિસર બનીને સલામી જીલશે એવી તો કોઈને કલ્પના પણ ન હતી પરંતુ ખુલ્લી આંખે આકાશમાં ઉડવાના સપના જોતી દીકરીને ખબર હતી કે એક દિવસ પોતાની મહેનત રંગ લાવશે અને સફળતાનું મેઘધનુષ્ય જરૂૂર દેખાશે. આ વાત છે ઊંચી ઉડાન ભરી સ્વપ્નોને સાકાર કરનાર કર્નલ સપના રાણાની.જેમણે યુપીએસસીની તૈયારી દરમિયાન જોઈન્ટ ડિફેન્સ સર્વિસની પરીક્ષા પાસ કરી અને 2004માં લેફ્ટનન્ટ બની. આજે તે ઉત્તર-પૂર્વમાં અજઈ બટાલિયનનું નેતૃત્વ કરે છે અને અનેકને તે માટે પ્રેરણા આપે છે.
સપનાનો જન્મ 1980ના દાયકામાં હિમાચલના નાનકડા ગામમાં થયો હતો, જ્યાં મહિલાઓ અનેક સામાજિક પ્રતિબંધો વચ્ચે જીવતી હતી. ગામની સ્ત્રીઓનું જીવન પશુપાલન કરવું, તેમના માટે ઘાસચારો કાપવો, ભેંસોનું દૂધ દોહવું, રસોઈ કરવી વગેરે પ્રવૃત્તિઓ આસપાસ જ ફરતું હતું. સપના પણ આજ જીવન જીવતી હતી પરંતુ આ જીવન અને પડકારો વચ્ચે તેણે પોતાનો અલગ માર્ગ કંડાર્યો એટલું જ નહીં એ માર્ગ પર ખૂબ જ આત્મવિશ્વાસથી ચાલીને પોતાની મંઝિલ મેળવી. મર્યાદા વચ્ચે રહીને પણ પોતાના લક્ષ્ય સાથે ક્યારેય સમાધાન ન કર્યું, પરિણામરૂૂપ આજે સપનાએ ભારતીય સેનામાં ઇતિહાસ રચ્યો છે.તે ભારતીય સેનામાં બટાલિયનને કમાન્ડ કરનાર હિમાચલ પ્રદેશની પ્રથમ મહિલા બની છે. હાલમાં સપના ઉત્તર-પૂર્વમાં આર્મી સર્વિસ કોર્પ્સ (અજઈ) બટાલિયનનું કમાન્ડિંગ કરી રહી છે.સપના રાણાના પતિ પણ ભારતીય સેનામાં છે અને તેમને એક પુત્રી છે.જો કે, સપના માટે આ સફર ક્યાં સરળ હતી?
સપનાના પિતા શાળાના શિક્ષક અને માતા કૃષ્ણા ઠાકુર ગૃહિણી હતા. ત્રણ ભાઈ-બહેનમાં સપના ભણવામાં ખૂબ હોશિયાર હતી,જ્યારે તેની ઉંમરની છોકરીઓ રમવામાં, કૂદવામાં અને આનંદમાં સમય પસાર કરતી હતી, ત્યારે તે તેની કારકિર્દીની યોજના બનાવતી હતી. તે કોઈપણ બાબતમાં તેના બે ભાઈઓથી ઓછી નહોતી. તે અભ્યાસથી લઈને દરેક બાબતમાં આગળ હતી. અને આ જ કારણ હતું કે 10મા પછી જ્યારે તેમના બંને ભાઈઓ આગળના અભ્યાસ માટે તેમનું નાનકડું ગામ છોડી ગયા ત્યારે તેના માતા-પિતાએ તેને પણ અભ્યાસ માટે બહાર મોકલવાનું પસંદ કર્યું. ધો.10 પછી, જ્યારે સપના વધુ અભ્યાસ માટે હિમાચલ પ્રદેશના સોલન પહોંચી, ત્યારે આર્થિક પરિસ્થિતિની મર્યાદા વચ્ચે પણ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા પરિશ્રમ કર્યો.સોલનમાં રહેતી વખતે તે પોતાનું ભોજન જાતે જ બનાવતી, પૈસા બચાવવા ચાલીને કોલેજ જતી હતી. સપના જ્યારે પણ રજાઓમાં ઘરે આવતી ત્યારે તે તમામ કામ કરતી જે ગામની છોકરીઓ કરતી હતી.ગામડાના વાતાવરણમાં રહેતા માતા-પિતાએ ક્યારેય વિચાર્યું ન હતું કે દીકરી આટલી ઊંચાઈએ પહોંચશે ,પરંતુ તેની મહેનત રંગ લાવી.
હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામની આ દીકરી આજે ભારતીય સેનામાં કમાન્ડિંગ ઓફિસર છે. પોતાની સફળતા બાબત સપના રાણાએ જણાવ્યું કે, " મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ભારતીય સેનામાં જોડાઈશ. ઇન્ટરમીડિયેટ પછી, સોલનની સરકારી કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી બાદ એમબીએ કરવા માટે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં એડમિશન લીધું.અભ્યાસની સાથે યુપીએસસીની તૈયારી શરૂૂ કરવા માગતી હતી પરંતુ વચ્ચે જોઈન્ટ ડિફેન્સ સર્વિસની પરીક્ષા આપી અને 2003માં ચેન્નાઈમાં ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં પસંદગી પામી. 2004માં, ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક મળી. અનેક પરિશ્રમ બાદ મળેલી સફળતા ખરેખર આનંદ આપે છે.”