રાહુલ ગાંધી સામે ધક્કામુક્કીનો આરોપ: ભાજપ રજનુ ગજ કરતો હોવાની છાપ
સંસદ ભવનમાં ગુરુવારે થયેલો ધક્કાકાંડ બરાબર ગાજ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો મુદ્દો ચગાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ હોહા કરી મૂકી છે. ગુરુવારે સંસદ ભવનમાં આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સાંસદો ભિડાઈ ગયા તેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જાણીજોઈને ભાજપના બે સાંસદો પ્રતાપચંદ્ર સારંગી અને મુકેશ રાજપુતને ધક્કો મારીને ઈજાગ્રસ્ત કરવાનો અને એક મહિલા સાંસદ સાથે દુર્વ્યવહાર કરવાનો આક્ષેપ ભાજપે લગાવ્યો છે અને પોલીસ ફરિયાદ પણ કરી છે.
બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે, બાબાસાહેબનું અપમાન કરવાના મુદ્દે ભાજપ ખરાબ રીતે ભેરવાઈ ગયો છે એટલે લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા માટે ખોટા આક્ષેપો કરી રહ્યો છે અને ફરિયાદ કરી છે. બંને પાર્ટીઓએ આ મામલે થોડા કલાકોના અંતરે જ પ્રેસ કોન્ફરન્સ પણ યોજીને ભરપૂર આક્ષેપબાજી પણ કરી છે.
દિલ્હી પોલીસ હવે શું કરે છે, રાજ્યસભાના ચેરમેન હવે શું કરે છે એ જોવાનું છે પણ આ ફરિયાદો અને આક્ષેપો ભાજપનું નૈતિક અધ:પતન બતાવે છે. ભાજપ રાજકીય મુદ્દે મુકાબલો કરવા માટે સક્ષમ ના હોય ત્યારે આ રીતે રાહુલ ગાંધીના ચારિત્ર્યહનન પર ઊતરી આવે છે એ પહેલાં પણ આખી દુનિયાએ જોયું છે.
ભાજપ અને કોંગ્રેસના સાંસદો સામસામે ભિડાયા ત્યારે દેશભરની ટીવી ચેનલોના કેમેરા ત્યાં હતા. સંસદ સંકુલના કેમેરા પણ હતા પણ કોઈ ચેનલે રાહુલ ગાંધી પ્રતાપચંદ્ર સારંગીને કે ભાજપના બીજા સાંસદને ધક્કો મારે છે છ એવું કમસે કમ હજુ સુધી તો બતાવ્યું નથી. સંસદના સીસીટીવીના એવા કોઈ ફૂટેજ પણ બહાર આવ્યા નથી.
આ કાંડમાં હવે પછી શું થશે એ ખબર નથી પણ ગુજરાતીમાં કહેવત છે કે, નાગાની પાંચ શેરી હંમેશાં ભારે હોય. જૂઠું બોલો ને જોરથી બોલો એટલે આ દેશની પ્રજા તેને સાચું માની જ લે છે એવું ભાજપ માને છે.