મહારાષ્ટ્રની મહાયુતિમાં સખળડખળ, અજીત પવાર 10 મિનિટમાં કેબિનેટ બેઠક છોડી ગયા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધનનું ગણિત ખોરવાઈ જતું જોવા મળી રહ્યું છે. મહાયુતિમાં અંદરોઅંદરની ખેંચતાણ વધી હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં કંઈક એવું થયું જેનાથી રાજકિય નિષ્ણાંતોમાં આ શંકા વધુ મજબૂત થઈ છે. રાજ્ય સરકારમાં નાણા મંત્રાલય સંભાળી રહેલા અજિત પવાર કેબિનેટની ચાલુ મિટિંગ 10 મિનિટમાં છોડીને ચાલ્યા ગયા.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, આવું પહેલીવાર બન્યું છે જ્યારે અજિત પવાર આ રીતે બેઠક છોડીને ગયા છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સમગ્ર સભા દરમિયાન તેમની ખુરશી ખાલી રહી હતી.
છેલ્લા કેટલાક સપ્તાહમાં શિવસેના અને અજિત પવારની એનસીપી વચ્ચે તિરાડ વધી છે. ફુલટાઈમ કેબિનેટ બેઠકમાં એકબાજુ 38 મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા, જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા, તો બીજી તરફ અજીત પવાર બેઠકમાંથી વહેલાં નીકળી જતાં વિપક્ષ સહિત અન્ય પક્ષો માટે ચર્ચાનો વિષય બન્યો હતો.
આ બેઠકમાં નાણા મંત્રાલય દ્વારા મૌલાના આઝાદ નિગમના ભંડોળમાં વૃદ્ધિ, મદરેસામાં શિક્ષકોના ફંડમાં વૃદ્ધિ, વાણી, લોહાર, નાથ પંથના સમુદાયો માટે નિગમ બનાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ તમામ નિર્ણયો અત્યંત મહત્ત્વના હોવાથી તેમાં અજીત પવારની ગેરહાજરીએ રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું હોવાની અટકળો શરૂૂ થઈ હતી.
છેલ્લી કેટલીક કેબિનેટ બેઠકમાં નાણા વિભાગની આપત્તિ બાદ વિવિધ સંગઠનોને જમીનની વહેંચણી કરવામાં સમયસર નિર્ણય લેવામાં ન આવતા અજીત પવાર નારાજ છે. અજીત પવારનું કહેવું છે કે, નાણા મંત્રી હોવાથી કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર તેમણે જવાબ આપવો પડશે. આ ઘટનાને શિવસેના યુબીટી, એનસીપી શરદ પવાર જૂથ અને કોંગ્રેસના નેતાઓ ભાજપ અને શિવસેના શિંદે જૂથ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.