યુવાનની અંતિમ વિધિ કરી નાખી, બેસણાના બીજા દિવસે પ્રગટ થયો
મહેસાણા જિલ્લાના વિજાપુરની આશ્ર્ચર્યજનક ઘટના, ઘરેથી નીકળી ગયેલા યુવકને મૃત્યુ પામેલો માની પરિવારે અન્યની લાશની અંતિમ વિધિ કરી બેસણું યોજી નાખ્યું
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં રહેતો એક યુવાન મૃત્યુ પામ્યાનું માની તેના પરિવારજનોએ લાશની અંતિમ વિધી પણ કરી નાખી હતી અને બેસણાના બીજા દિવસે જ મૃત માનીને જેની અંતિમ વિધી કરી નાખી હતી તે યુવાન જીવતો જાગતો પ્રગટ થયાની આશ્ર્ચર્યજનક ઘટનાબનવા પામી છે.
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતો બ્રિજેશ સુથાર નામનો એક યુવક પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. આ યુવક અમદાવાદમાં શેરબજારમાં રોકાણ કરતો હતો અને થોડા દિવસોથી ટેંશનમાં રહેતો હતો. તેના પરિવારના સભ્યોએ નરોડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની ઓળખ પોલીસે ગુમ યુવક બ્રિજેશ ઉર્ફે પીન્ટુ સુથાર તરીકેની કરી તેના પરિવારને જાણ કરી હતી અને મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
બ્રિજેશ ઉર્ફે પીન્ટુ સુથારના તેના પરિવારે અગ્નિસંસ્કાર કરી નાંખ્યા અને ગઈકાલે 14 નવેમ્બરે તેનું બેસણું હતું.
દરમિયાન આજે 15 નવેમ્બરે બ્રિજેશ ઉર્ફે પીન્ટુ સુથાર તેના ઘરે આવ્યો હતો. બ્રિજેશને જીવતો જોઈને તેના પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા. ઘરનું ઉદાસ વાતાવરણ અચાનક જ ખીલી ઉઠ્યું. રડતા પરિવારના સભ્યોની આંખોમાં હર્ષના આંસુ વહી રહ્યાં હતા. સાથે એ પણ વિચારીર રહ્યા હતા કી આવું કેવી રીતે બન્યું.
બ્રિજેશને સામે જોતા તેનો પરિવાર પણ મૂંઝવણમાં મુકાઈ ગયો કે અગ્નિસંસ્કાર કોના કર્યા? સમગ્ર મામલે હવે અંતિમસંસ્કાર કોના થયા તેની પોલીસે તપાસ શરૂૂ કરી છે. જે મૃતદેહ મળ્યો હતો એ કો અજાણ્યા પુરુષનો હતો. હવે પોલીસ અગ્નિસંસ્કાર થઈ ગયા તેના પરિવાર અને સ્વજનોને શોધવા માટે કામે લાગી છે.