'બળાત્કારનો ઘણો અનુભવ…' પોતાના પર થયેલી કોમેન્ટ પર લાલઘૂમ થઇ કંગના રનૌત, આપ્યો વળતો જવાબ
વાસ્તવમાં, તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કંગનાએ ખેડૂતોના આંદોલન દરમિયાન બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે મીડિયાએ અકાલી દળના નેતા સિમરનજીત સિંહ માનને આ અંગે પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે, "હું તે કહેવા નથી માંગતો, પરંતુ રણૌત સાહેબને બળાત્કારનો ઘણો અનુભવ છે. તેમને પૂછવામાં આવે કે બળાત્કાર કેવી રીતે થાય છે જેથી લોકો સમજો." બળાત્કાર કેવી રીતે થાય છે તેનો તેમને ઘણો અનુભવ છે. જેમ તમને સાઇકલ ચલાવવાનો અનુભવ છે તેમ બળાત્કારનો અનુભવ તેમને છે." કંગના રનૌતે તેના પર વાંધાજનક નિવેદન આપતા અકાલી નેતાનો વિડિયો પોસ્ટ કરીને આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
પંજાબના પૂર્વ સાંસદ અને શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના નેતા સિમરનજીત સિંહ માનએ આજે અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ માટે પૂર્વ સાંસદની પણ ભારે ટીકા થઈ રહી છે. હવે આ અંગે કંગના રનૌતનું નિવેદન પણ સામે આવ્યું છે. અકાલી દળના નેતા પર વળતો પ્રહાર કરતા તેમણે કહ્યું કે એવું લાગે છે કે આ દેશ રેપને મહત્વહીન બનાવવાનું ક્યારેક બંધ નહીં કરે, આજે આ વરિષ્ઠ નેતાએ રેપની તુલના સાઈકલ ચલાવવા સાથે કરી દીધી, એમાં કોઈ નવાઈ નથી કે મજા માટે મહિલાઓ સામે રેપ અને હિંસા આ પુરુષપ્રધાન રાષ્ટ્રની માનસિકતામાં એટલે ઊંડે સુધી ઘર કરી ગઈ છે કે તેનો ઉપયોગ મહિલાઓની ટીખળ કરવા કે તેમની મજાક ઉડાવવા માટે કરાય છે, ભલે તે એક હાઈ પ્રોફાઈલ ફિલ્મ નિર્માતા હોય કે રાજનેતા કેમ ન હોય?
શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના નેતાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કંગનાએ થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે ખેડૂત આંદોલન દરમિયાન રેપ-મર્ડર થયાં હતા. ખેડૂતો અને રાજકીય પક્ષોએ કંગનાની ટિપ્પણીને લઈને ઘણી જગ્યાએ વિરોધ પણ કર્યો હતો. કંગના રનૌતે 'X' પર તેના ઇન્ટરવ્યુની ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે જો દેશનું નેતૃત્વ મજબૂત ન હોત તો ભારતમાં પણ "બાંગ્લાદેશ જેવી સ્થિતિ" ઊભી થઈ શકે છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ખેડૂતોના વિરોધ દરમિયાન "મૃતદેહો લટકતા હતા અને બળાત્કારની ઘટનાઓ બની રહી હતી. જો કે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના સાંસદ કંગના રનૌતના નિવેદન સાથે અસહમતિ દર્શાવીને કંગનાને હદમાં રહેવાની સલાહ આપી હતી.