જીવથી શિવ સુધી પહોંચાડનાર નૃત્ય સાધનામાં રત ભાઈ-બહેનની જોડી
ક્રિષ્નાબેન સુરાણી અને જીજ્ઞેશભાઈ સુરાણી આ ભાઈ-બહેનની જોડી ભરતનાટ્યમને આગળ વધારવા સાધના કરે છે, પરિશ્રમ કરે છે અને નૃત્યને સમર્પિત જીવે છે જીવન
ગુરુ શિષ્ય પરંપરા જળવાઈ રહે અને સાધના સરળ બને તે માટે ક્રિષ્નાબેન સુરાણી અને જીગ્નેશભાઈ સુરાણીનું સ્વપ્ન છે નૃત્ય ગુરુકુળની સ્થાપના કરવાનું
‘મોટાભાઈને સુંદર નૃત્ય કરતા જોઈને નૃત્ય પ્રત્યે લગાવ થયો.નાની હતી ત્યારે તેઓ પ્રેક્ટિસ કરતા ત્યારે તેમની સાથે જતી. થોડી સમજ આવતા મને પણ નૃત્ય શીખવાનું મન થયું . ભાઈના માર્ગદર્શન મુજબ નૃત્યના અભ્યાસ માટે શિક્ષણ લીધું,ડિગ્રી મેળવી પરંતુ મારા માટે મારા સાચા ગુરુ મારા ભાઈ છે. ભરતનાટ્યમનો ઊંડો અભ્યાસ,ભાવની અભિવ્યક્તિ, શાસ્ત્ર અને સંગીતનું જ્ઞાન તેમજ વ્યવહારિક અનેક વાતો તેમણે શીખવી છે.એમને દેવું ગમતું હતું અને મને લેવું ગમતું હતું. તેઓની શીખથી લઈને અત્યાર સુધીની સફળતામાં અમારો એકમેકનો સાથ મહત્ત્વનો છે’ . આ શબ્દો છે રાજકોટના ભરતનાટ્યમ નૃત્યના કલાકાર, શિક્ષક ક્રિષ્નાબેન સુરાણીના.જેઓ મોટાભાઈ અને ગુરુ એવા જીગ્નેશભાઈ સુરાણીના સંગાથે રાજકોટમાં નર્તન તાંડવન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ ચલાવે છે.તેઓના નૃત્યના વર્ગો મોરબી,જામનગર,ભાવનગર,ગોંડલ, જૂનાગઢ તથા રાજકોટમાં ચાલે છે.50થી વધુ આરંગેત્રમ અને દેશ-વિદેશમાં 3000થી વધુ પર્ફોર્મશન્સ શો તેમજ વર્કશોપ કરેલ છે.ભરતનાટ્યમમાં ભાઈ-બહેનની આ જોડી શાસ્ત્રીય નૃત્યને આગળ વધારવા સાધના કરે છે, પરિશ્રમ કરે છે અને નૃત્યને સમર્પિત જીવન જીવે છે.કલા જગતમાં તેઓનું આગવું નામ છે.
આર્થિક રીતે સાધારણ એવા પરિવારમાં જન્મ અને સામાન્ય અભ્યાસ સરકારી શાળામાં થયો. જે ભાઈ અને કલા ગુરુ જીગ્નેશભાઈ સુરાણીને જોઈને પોતે આ ક્ષેત્રમાં આવ્યા તેમની સંઘર્ષ યાત્રા પણ પ્રેરણાદાયી છે.નટરાજ અને નટવરની કૃપાથી નૃત્ય અને સંગીત પ્રત્યે લગાવ થયો.એ સમયે કલા પ્રત્યે માતા-પિતાની જાગૃતિનો અભાવ અને આર્થિક પરિસ્થિતિના કારણે અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. પ્રથમ કથ્થક અને ત્યારબાદ ભરતનાટ્યમમાં ડગ માંડનાર ક્રિષ્નાબેને ભાઈના સંઘર્ષ વિશે જણાવ્યું કે જીગ્નેશભાઈ નાના હતા ત્યારથી સંગીત,નૃત્યમાં રસ હતો.શાળામાં કાર્યક્રમોમાં ભાગ લેતા અને તેમના સંગીત અને નૃત્યના જ્ઞાનના કારણે જ એક શિક્ષકના સૂચન મુજબ નૃત્યની તાલીમ લેવા અમદાવાદ ગયા.જુદા-જુદા ગુરુઓના માર્ગદર્શન અને હિતેચ્છુઓની આર્થિક મદદના કારણે આજે તેઓ અહીં સુધી પહોંચ્યા છે પરંતુ તેઓએ એવા દિવસો પણ જોયા છે જ્યારે ચા, બિસ્કિટ ખાઈને દિવસો પસાર કર્યા હોય અને અનેક કિલોમીટર ચાલીને નિશ્ચિત સ્થાને પહોંચ્યા હોય.
પોતાની ભરતનાટ્યમની યાત્રા બાબત જીજ્ઞેશભાઈએ જણાવ્યું કે વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ માર્ગ મળતો રહ્યો અને કલાની યાત્રા અવિરત ચાલુ રહી.પ્રથમ રાજકોટમાં અભ્યાસ કર્યો ત્યારબાદ અમદાવાદ દર્પણ એકેડેમીમાં મૃણાલીની સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ પાસેથી ટ્રેનિંગ લીધી.અમદાવાદમાં ચાર વર્ષ ગાળ્યા પછી ત્યાં જ બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને માસ્ટર ઇન પરફોર્મિંગ આર્ટસ કર્યું, જેમાં કર્ણાટકી સંગીત,શાસ્ત્રોની વાતો અને નૃત્યનું ઊંડાણ શીખવા મળ્યું. ‘આ સમયે એક્ઝામિનર તરીકે આવેલા નૃત્ય ગુરુ વૈભવ આરેકરજી સાથે સંપર્ક થયો. તેઓ મારા નૃત્યથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમની સાથે મુંબઈ આવવા આમંત્રણ આપ્યું.આટલા મહાન કલાકાર અને ગુરુને મળવું અને મુંબઇ જવું જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને ગુરુની ખોજ પૂર્ણ થઈ. મુંબઈથી ચાર મહિનાની યુરોપની ટૂર કરી અને પછી તો સતત વિદેશની યાત્રાઓ ચાલુ રહી.’
પોતાની વિદેશ યાત્રા દરમિયાન રાજકોટમાં નૃત્યના વર્ગો સંભાળવાની કામગીરી બહેન ક્રિષ્નાએ સંભાળી.પોતાનાથી નાની બહેનને નાનપણમાં રમાડી મોટી કરી હતી.તેમના વિશે વાત કરતા ભાઈ ભાવુક થઈ જાય છે અને જણાવે છે કે વિદ્યાર્થી તરીકે ક્રિષ્નાબેન ખૂબ જ સમર્પિત હતા. તેમણે પણ નૃત્યમાં બેચલર અને માસ્ટર કર્યુ. રાજકોટની જાણીતી ગેલેક્સી ગરબીમાં પણ તેઓનું મોટું યોગદાન છે જાણીતા કોરીઓગ્રાફર અવનીબેન શાહ સાથે મુંબઈમાં જુદા જુદા શો,વર્કશોપ,રાજસ્થાની શો, ગરબાના શો વગેરે કર્યા છે તેમજ રાત-દિવસ જોયા વગર પોતાના અભ્યાસની સાથે સાથે વર્ગોની જવાબદારી પણ બખૂબી સંભાળે છે.
ઉડાન માટે જીગ્નેશભાઈ અને ક્રિષ્નાબેન બંને સાથે તેઓની સમયની અનુકૂળતા મુજબ અલગ અલગ સમયે વાતચીત થઈ પરંતુ બંનેની વાતનો અને લાગણીનો સૂર એક જ હતો કે બંને ભાઈ-બહેન એકબીજા વગર અધૂરા છે.2023નો ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવનાર જીગ્નેશભાઈ યુરોપ, જર્મની થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને છેલ્લા ચાર વર્ષથી નિયમિત રીતે કેનેડા જાય છે તો ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડની ટૂરમાં ક્રિષ્નાબેન પણ સાથે હતા.તેઓ નૃત્યના વર્ગોમાં સાથે કામ કરતી વખતે ભાઈ તરીકે નહીં પરંતુ ગુરુ તરીકેનો દરજ્જો આપે છે. ક્રિષ્નાબેને જણાવ્યું કે ગુરુ અને ભાઈ એવા જીગ્નેશ સર સાથે પર્ફોર્મ કરવું પણ એક લ્હાવો છે. સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે અનેક વખત પરમાત્માની ઉર્જા તેમજ અલગ અલગ અનુભૂતિ થઈ છે આવી અનુભૂતિ યોગ્ય ગુરુ જ કરાવી શકે.ઘણી વખત શબ્દો ટૂંકા પડે ત્યારે ભાઈ-બહેન વચ્ચે આંખોથી સંવાદ થઈ જાય અને તેના સમજણની સાબિતીરૂપે બંનેની આંખમાં અશ્રુ ધારા વહી જાય.એક મેક વિના ચાલે નહીં એવું મજબૂત બોન્ડિંગ છે.
જીગ્નેશભાઈ પોતાની સફળતા માટે માતા,પિતા, ગુરુજનો મહેશ્વરી નાગરાજન, ખમા પરાગ શાહ,બીજોય આનંદ શિવરામ, રાધા ભાસ્કર મેનન, વૈભવ આરેકર,પૂર્વીબેન ધામેલિયાના આશીર્વાદ અને માર્ગદર્શન માટે આભારની લાગણી વ્યક્ત કરે છે.નૃત્યની સાધના માટે પોતાને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે અન્યને ન કરવો પડે તે માટે જીગ્નેશભાઈ અને ક્રિષ્નાબેનનું સ્વપ્ન એવું નૃત્ય ગુરુકુળ બનાવવાનું છે કે જ્યાં ગુરુ શિષ્ય પરંપરા જીવંત રહે અને કલાકારોને પોતાની કલાની સાધના કરવા માટે દરેક સગવડતા મળી રહે. રક્ષાબંધન પર્વ નજીકમાં છે ત્યારે જીગ્નેશભાઈ અને ક્રિષ્નાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
કડવા વેણનો જવાબ કામથી આપ્યો
જીગ્નેશભાઈએ જણાવ્યું કે અનેક વખત સગા-સંબંધીના કડવા વેણ અને ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. આ શું છોકરીઓ જેવા મેકઅપ કરે છે? કંઈક ઢંગનું ઇલેક્ટ્રિશિયન કે સુથારી કામ કરાવો. એવી વણમાગી સલાહ પણ મળતી. આજે ગુરુઓના આશીર્વાદથી જે પણ આર્થિક પ્રસાદ મળ્યો છે તેમાંથી જ ઘરનું ઘર તેમજ નૃત્યના વર્ગો માટે સારી વ્યવસ્થા કરી શક્યા છીએ. માતા-પિતાનો સપોર્ટ હતો એટલે સમાજનો વિચાર ઓછો કર્યો છે હવે જ્યારે એક ઓળખ બની છે ત્યારે લોકો સામેથી આવે છે અને પ્રશંસા કરે છે.
નૃત્યને સાધના તરીકે પામો
ભરતનાટ્યમની સાધના કરી તેના ખરા સ્વરૂપને પામવાનું સૂચન જીગ્નેશભાઈ અને ક્રિષ્નાબેન દરેક વિદ્યાર્થીને કરે છે. નૃત્ય શીખવાની નહીં પરંતુ જીવનમાં ઉતારવાની કલા છે.તેઓનું માનવું છે કે નૃત્યને ભાવ સાથે સંબંધ છે જો એ હૃદયથી ન આવે તો આંખોમાં ન દેખાય અને તો સામેની વ્યક્તિને સ્પર્શી ન શકે. નૃત્યએ પરમાત્માની ભક્તિ સમાન છે. જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડવાની સીડી છે. અત્યારે લોકો પાસે સમય નથી છતાં ગુરુ શિષ્ય પરંપરામાં નૃત્યને તમે જેટલો સમય આપશો તેટલું ઘડાશો.