આબુરોડ નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં 6નાં મૃત્યુ
સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર આજે વહેલી સવારના સમયમાં એક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. આબુરોડ નજીકના વિસ્તારમાં એ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.જ્યારે અમદાવાદથી જાલોર જઈ રહી એક કાર ટ્રેલર પાછળ ધૂસી ગઈ હતી . આ અકસ્માતના કારણે, એક જ પરિવારના 6 સભ્યોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. અકસ્માતના સ્થળે ભારે ધડાકા સાથે ટ્રેલર અને કાર વચ્ચે અથડામણ થઈ હતી.
આ દુ:ખદ ઘટનાની જાણ મળતાં જ સિરોહી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સારવાર માટે સિરોહી હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યારે 6 મૃતદેહોને આબુરોડ સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે. એક જ પરિવારના 6 લોકોના મોત થવાથી અત્યારે પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.