M.P.માં ટ્રક અને પોલીસવાન અથડાતાં બોંબ ડિસ્પોઝલ ટીમના 4 જવાનોના મૃત્યુ
ડ્યૂટી પૂરી કરીને ઘરે જતા નડેલો જીવલેણ અકસ્માત
મધ્ય પ્રદેશના સાગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બોમ્બ નિરોધક દળ (ઇઉજ) ના ચાર જવાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. આ તમામ જવાનો ડ્યુટી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ દુર્ઘટના સાગરના નેશનલ હાઇવે 44 પર બાંદરી માલથૌન ખાતે બની હતી. પાંચેય જવાનો મુરૈનાથી પરત ફરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે આ અકસ્માત થયો હતો. જવાનોનું વાહન સામેથી આવી રહેલા એક ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂૂ કરી છે.
આ ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામેલા જવાનોની ઓળખ પ્રધુમન દીક્ષિત, અમન કૌરવ અને ડ્રાઇવર પરમલાલ તોમર (ત્રણેય મુરૈનાના રહેવાસી) તથા ભીંડના ડાંગ માસ્ટર વિનોદ શર્મા તરીકે થઈ છે. આ ઉપરાંત, મુરૈનાના આરક્ષક રાજવીન ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને બંસલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે પોલીસના વાહનમાં એક ડોગ પણ હતો, જેનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે.