દિલ્હીમાં રદ થયેલી 3 કરોડની ચલણી નોટો સાથે 4 ઝડપાયા
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત બાતમીના આધારે શાલીમાર બાગ મેટ્રો સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને 3 કરોડથી વધુની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરી છે. પોલીસે આ પ્રકરણમાં 4 લોકોની ધરપકડ કરી છે જેઓ રદ થયેલી 500 અને 1000ની નોટોની હેરાફેરી કરી રહ્યા હતા.
દેશમાં નોટબંધી લાગુ થયાના વર્ષો બાદ પણ જૂની નોટોની હેરાફેરી અટકવાનું નામ નથી લઈ રહી. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક લોકો જૂની નોટોને બદલવા અથવા તેને કોઈ અન્ય રીતે ઉપયોગમાં લેવા માટે શાલીમાર બાગ વિસ્તારમાં એકઠા થવાના છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા 4 શખ્સોને કોર્ડન કરી લીધા હતા.પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ હર્ષ, ટેક ચંદ, લક્ષ્ય અને વિપિન કુમાર તરીકે થઈ છે. તેમની પાસેથી પોલીસને થેલામાં ભરેલી 500 અને 1000ના દરની રદ થયેલી ચલણી નોટો મળી આવી હતી. જપ્ત કરાયેલી કુલ રકમ 3 કરોડ રૂૂપિયાથી વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આટલી મોટી રકમ આ લોકો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા. શું કોઈ ગેંગ લોકોને જૂની નોટો બદલી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી રહી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે.