24 કેરેટ સોનાનો ભાવ રૂા.99,400; 1 લાખ તરફ દોટ
બિસ્કીટે રૂા.10,000નો ઉછાળો, લાલચોળ તેજીથી બજારમાં અસમંજસની સ્થિતિ, ચાંદી એક કિલોનો ભાવ 98,500એ પહોંચ્યો
વૈશ્ર્વિક ટ્રેડ વોર વચ્ચે સોનામા સતત તેજીને લીધે આજે લોકલ માર્કેટમા 24 કેરેટ શુધ્ધ સોનાનો ભાવ રૂ. 99400 બોલાયો હતો. ચાંદી પણ સાથે 98500 પ્રતિ કિલો ટ્રેડ થઇ હતી. આજે સવારે બજાર ખુલતા જ કોમોડીટી માર્કેટમા સોનાનાં 100 ગ્રામ બિસ્કીટના ભાવમા રૂ. 10 હજારનો વધારો નોંધાયો હતો. આ સાથે જ એક - બે દિવસમા 24 કેરેટ ફાઇન ગોલ્ડનો ભાવ 1 લાખ રૂપિયાને પાર થઇ જાશે તેવુ સુત્રો જણાવી રહયા છે.
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ટેરીફ વોરના કારણે વૈશ્ર્વિક રોકાણકારો હવે પીળી ધાતુ તરફ વળી રહયા છે. લંડન મેટલ એક્ષચેંજમા સોનામા ભારે તેજી જોવા મળતા પ્રતિ ઓંસ ભાવ 3350 ડોલરને પાર ચાલ્યો ગયો છે. જેની સીધી અસર ભારતના બુલિયન માર્કેટ પર પણ પડી છે. રાજકોટ લોકલ માર્કેટમા આજે સોનાનો ભાવ ર4 કેરેટનો રૂ. 99400 બોલાયો હતો. શનિવારે હાજર માર્કેટમા સોનુ 98400 સુધી ટ્રેડ થયુ હતુ. આજે બુલિયન માર્કેટમા ચાંદીના 1 કિલોના ચોરસાનો ભાવ 97000 જયારે 999 પ્યોર ચાંદી પેટી 1 કિલોનો ભાવ 98675 બોલાયો હતો. આ સાથે જ ડોલર સામે રૂપિયો પણ મજબુત સ્થિતિએ ટ્રેડ થઇ રહયો છે. ડોલર સામે રૂપિયો 85.13 નાં લેવલે ટ્રેડ થયો છે અને એલએમઇ માર્કેટમા સોનુ 3374 ડોલર ટ્રેડ થઇ રહયુ છે. આર્થિક નિષ્ણાંતોના મતે સોનામા હજી પણ તેજી જળવાય રહે તેવી શકયતાઓ છે. યુક્રેન - રશિયા યુધ્ધ તેમજ ઇઝરાયલ - હમાસ યુધ્ધ બાદ વૈશ્ર્વિક લેવલે સોનામા રોકાણ આકર્ષક બની રહયુ છે. ટ્રમ્પની ટેરીફ વોરના પગલે વિશ્ર્વનાં શેરબજારોમા ભારે ઉથલ પાથલ વચ્ચે સોનામા વણથંભી તેજી ચાલુ છે.
શેરબજારમાં પણ ભારે તેજી, બેંક નિફટી 55200ના નવા હાઇ પર
સેન્સેકસ ગુરૂવારના 78553નાં બંધ લેવલ સામે આજે 350 પોઇન્ટ ઉછળીને 78903 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 98.20 (0.41%) વધીને 23,949.15ના સ્તર પર ખુલ્યો. ગત અઠવાડિયે સોમવારે બાબા આંબેડકર જંયતિ અને શુક્રવારે ગુડફ્રાઈડના કારણે બજાર બંધ રહ્યા બાદ આજે સપ્તાહના આરંભમાં બજારની સારી શરૂૂઆત થઈ હતી. ગયા અઠવાડીયે ચાર દિવસની તેજીમાં, સેન્સેક્સ 4,706.05 પોઈન્ટ અથવા 6.37 ટકા વધ્યો હતો. અને નિફ્ટી 1,452.5 પોઈન્ટ અથવા 6.48 ટકા વધી હતી. આજે બેંકીંગ સેકટરમા સારા પરીણામોને પગલે બેંક નીફટીમા તોફાની તેજી જોવા મળી હતી અને બેંક નીફટી પપર00 નાં નવા લેવલ પર પહોંચી ગઇ હતી.