શિંદેના 22 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જશે: ઠાકરેનો દાવો
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. શિવસેના (UBT) ના યુવા નેતા આદિત્ય ઠાકરેએ એક સનસનીખેજ દાવો કરીને સત્તાધારી ગઠબંધનમાં હલચલ મચાવી દીધી છે. આદિત્યએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથના 22 જેટલા ધારાસભ્યો હવે રાજ્યના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની નજીક સરી ગયા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સારું ફંડ મળતું હોવાથી આ ધારાસભ્યો હવે ફડણવીસના ઈશારે નાચી રહ્યા છે અને ગમે ત્યારે પક્ષપલટો કરવા તૈયાર છે.
સોમવારે (8 ડિસેમ્બર) વિધાનભવન સંકુલમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે આદિત્ય ઠાકરેએ મહાયુતિ સરકારના આંતરિક ડખાને ઉજાગર કર્યો હતો. તેમણે શિંદે જૂથનું સીધું નામ લીધા વગર કહ્યું હતું કે, "એક જ પક્ષમાં હવે બે જૂથ પડી ગયા છે. તેમાંથી એક જૂથના 22 ધારાસભ્યો મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ) ની અત્યંત નજીક આવી ગયા છે." આદિત્યએ વધુમાં ઉમેર્યું હતું કે આ ધારાસભ્યોને સારા ભંડોળ (Funds) નો લાભ મળી રહ્યો છે, જેના કારણે તેઓ હવે પોતાની મૂળ વફાદારી છોડીને મુખ્યમંત્રીના ઈશારે કામ કરવા લાગ્યા છે.
પોતાના નિવેદનમાં આદિત્ય ઠાકરેએ એક ચોક્કસ નેતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "પક્ષ બદલવા માટે તૈયાર બેઠેલા આ 22 ધારાસભ્યોમાંથી એક નેતા તો પોતાને ’ડેપ્યુટી કેપ્ટન’ ગણાવે છે." રાજકીય વિશ્ર્લેષકોના મતે આદિત્યનો ઈશારો ઉદ્યોગ મંત્રી ઉદય સામંત તરફ હોઈ શકે છે. અગાઉ પણ શિવસેના (ઞઇઝ) એવો દાવો કરી ચૂકી છે કે શિંદે અને અજિત પવારની સાથે સાથે સામંત પણ સત્તાના કેન્દ્રમાં રહેવા માંગે છે.