બિહારમાં વીજળી પડવાથી 21નાં મોત, 800 ગામો પૂરની ઝપેટમાં
યુપી-બિહાર સહિત 21 રાજયોમાં વરસાદની ચેતવણી
બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. અનેક ઘરો નદીમાં ડૂબી ગયા છે. કેટલાક લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. પીલીભીત, સિદ્ધાર્થનગર, મહારાજગંજના લગભગ 800 ગામો સતત ત્રીજા દિવસે પૂરની ઝપેટમાં છે, શાહજહાંપુરમાં દિલ્હી-લખનૌ હાઈવે સતત બીજા દિવસે બંધ છે.
યુપી-બિહાર ઉપરાંત સમગ્ર દેશમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. શુક્રવારે મોડી રાત્રે અને શનિવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આજે પણ અહીં વરસાદની સંભાવના છે.
ઈંખઉ એ આજે 21 રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પૂર્વ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આંદામાન-નિકોબારમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
સાથે જ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, વિદર્ભ (મહારાષ્ટ્ર), છત્તીસગઢમાં તોફાન અને વીજળી પડવાની ચેતવણી છે.