બિહારમાં 20 મીનીટમાં 20 કરોડની લૂંટ…બદમાશોએ બંદુકની અણીએ તનિષ્કનો શોરૂમ લૂંટ્યો, જુઓ CCTV
બિહારના પૂર્ણિયામાં આજે ફિલ્મી સ્ટાઈલમાં કરોડોની લૂંટ ચલાવવામાં આવી હતી. બિહારના પૂર્ણિયામાં તનિષ્કના શોરૂમમાં 6 લૂંટારુઓએ 20 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. દરેક પાસે હથિયાર હતાં. એમાં 10 કરોડથી વધુની કિંમતના ડાયમંડ જ્વેલરી છે. બાકીના સોનાના દાગીના હોવાનું કહેવાય છે. આ ઘટના આજે લગભગ 12 વાગ્યે બની હતી. શોરૂમમાં ઘટનાને અંજામ આપ્યા બાદ આ લૂંટારુઓ બાઇક પર ફરાર થઇ ગયા હતા.
આ ઘટની મળતી માહિતી અનુસાર પહેલા ત્રણ ગુનેગારો ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. આ પછી વધુ ત્રણ અંદર ગયા. પછી બધાએ ગનપોઇન્ટ પર લૂંટ ચલાવી. લૂંટ દરમિયાન બદમાશોએ ઉપરના માળે શોરૂમના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવ્યા હતા. આ ઘટના પૂર્ણિયાના સહાયક ખજાનચી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાક બંગલા ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં બની હતી.બદમાશોએ કુલ 20 મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાના cctv પણ સામે આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા લૂંટારાઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે. સ્પષ્ટ દેખાય રહ્યું છે કે બંદૂકધારી પહેલા સામાન્ય વ્યક્તિની જેમ જ્વેલરીના શોરૂમમાં પ્રવેશ કરે છે. શોરૂમના કર્મચારીઓ સામાન્ય દિવસોની જેમ તેમના કામમાં વ્યસ્ત છે, આ દરમિયાન એક વ્યક્તિ શોરૂમમાં ઘુસી ગયો અને કર્મચારીઓ પર બંદૂક તાકી. બધા કામદારોને બાજુ પર જવા માટે કહે છે. કાઉન્ટરની અંદરના કર્મચારીને ઘરેણાં આપવાનું કહે છે.
આ મામલે પોલીસનું કહેવું છે કે માહિતી અનુસાર ગુનેગારો તનિષ્ક જ્વેલરીના શોરૂમમાં ઘૂસ્યા હતા અને તેને લૂંટીને ભાગી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં 5 થી 6 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે જેમાંથી 4 અંદર અને 2 બહાર ઉભા હતા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને પકડવા કાર્યવાહી કરવામાં આવશે.